આ મંદિરમાં આવેલો છે ‘નરકનો દરવાજો’, વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો કે કેમ તેમાં પગ મુકતાની સાથે જ થાય છે મોત?

અંકારાઃ તુર્કીના હીએરાપોલિસ શહેરમાં આવેલા આ મંદિરને ‘નર્કનો દરવાજો’ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે પ્રાચીન રોમન અને ગ્રીક સમયથી ઘણા લોકોને તેની પાસે જવામાં પણ ડર લાગતો હતો. પ્રાચીન ગ્રીક ભૂગોળશાસ્ત્રી સ્ટ્રેબોએ તેને જોખમી સ્થળ કહ્યું છે, જે કોઇપણ મુલાકાતીને મોતની નીંદર સુવડાવી દે છે. સ્ટ્રેબોએ કહ્યું કે તે એક નાની ખુલ્લી જગ્યા છે જેને એક નાની ગુફા પણ કહી શકાય છે જે બહુ ઉંડે સુધી જાય છે. તેમાં એટલું અંધારૂ છે કે ભાગ્યે જ કોઇ જમીનને જોઇ શકે છે. જે જીવોને અહીં લાવવામાં આવે તે પડી જાય છે અને બાદમાં તે મૃત હાલતમાં જ અહીંથી બહાર નીકળે છે. જ્યારે સ્ટ્રેબોએ ચકલીઓને આ ગુફામાં છોડી તો થોડીક સેકંડમાં જ તેનું મૃત્યુ થયું હતુ. પહેલા તેને દેવતાઓનો પ્રકોપ માનવામાં આવતો હતો પરંતુ હવે વૈજ્ઞાનિકોએ આ મૃત્યુ પાછળનું રહસ્ય ખોલ્યું છે.

ધ સનના અહેવાલ મુજબ આ જગ્યાનો ઉપયોગ એક સમયે ધાર્મિક બલિ આપવા માટે થતો હતો. જેમાં પક્ષીઓ, બળદ અને અન્ય પ્રાણીઓને દેવતાઓના પ્રતિક તરીકે જોવામાં આવતા હતા. મંદિરની ખંડેરની જગ્યા પર પક્ષીઓના હાડપિંજર પડેલા છે. અહીંના સ્તંભો પર દેવતાઓને સમર્પિત શિલાલેખો જોવા છે. આ સ્થળ પર ખોદકામ કરી રહેલી પુરાતત્વવિદોની ટીમે પણ મંદિરમાં અજીબોગરીબ વસ્તુઓ મળી હોવાનું જણાવ્યું હતું. અહીં સંશોધન કરનાર ફ્રાન્સેસ્કો ડીએંડ્રિયાએ કહ્યું કે ખોદકામ દરમિયાન અમે ગુફાની કેટલીક ડાર્ક સાઇડ જોઇ શક્યા હતા.

‘ભગવાન જીવ લેતા નથી’
ડીએન્ડ્રીઆએ જણાવ્યું કે મંદિરની આ ગુફાની નજીક જતાં જ પક્ષીઓ મૃત્યુ પામ્યા, પરંતુ તેનું કારણ કોઈ ભગવાનનો શ્રાપ નહોતો. અહીં એવું બન્યું કે પૃથ્વીના પોપડામાંથી ખતરનાક ગેસ લીક ​​થઈ રહ્યો હતો જેના કારણે આ બધુ થતું હતુ. મંદિરના પ્રવેશદ્વારમાંથી ઘાતક કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થઈ રહ્યું હતું. પુરાતત્વવિદોના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મંદિરની નીચે એક જગ્યાએ 91 ટકા સુધીની ઘાતક સાંદ્રતામાં CO2 હતો. જેમાંથી પેદા થતી વરાળના સંપર્કમાં આવતા જ પ્રાણીઓ અને પક્ષીઓનો મૃત્યુ થતા હતા.

સંશોધકોએ કહ્યું કે આ મંદિરની મુલાકાત લેવાનો સૌથી ખતરનાક સમય વહેલી સવારે છે, જ્યારે ગુફામાં આખી રાતનો ગેસ એકઠો થયો હોય છે. દિવસ દરમિયાન તે ઘટે છે કારણ કે સૂર્યપ્રકાશથી ગેસ ઓછો થાય છે. પુરાતત્વવિદોએ એ પણ ખુલાસો કર્યો હતો કે પ્રવાસીઓ નાના પ્રાણીઓ સાથે લાવતા હતા અને સાઇટ પર તેમની બલી આપતા હતા. પ્રાચીન સમયમાં અહીં દેવતાઓને પ્રસન્ન કરવા માટે બળદ વગેરે જેવા મોટા પ્રાણીઓની બલિ ચઢાવવામાં આવતી હતી.

આ સમાચાર પણ વાંચો : લાંબા સમય પછી જોવા મળી ‘મિર્ઝાપુર-3’ની ઝલક, કાલીન ભૈયાએ પૂછ્યું, અમને ભૂલી તો નથી ગયા ને?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top