Panch kedar: જાણો કયા પાંચ સ્થળો પૂજાય છે પંચ કેદાર તરીકે, શું છે પંચ કેદારનું મહત્વ?

ઘણા લોકો એ પણ નહીં જાણતા હોય કે ભોળા શંકરના કુલ પાંચ કેદારધામ છે. જેને પંચ કેદાર તરીકે ઓળખવામાં આવે છે. આ પંચ કેદારનું શું મહત્વ છે અને તેની સ્થાપન કેવી રીતે થઈ તે જાણવા માટે વાંચો આખો લેખ.

શું છે પંચ કેદારનો ઇતિહાસ?
વાત મહાભારત કાળની છે. મહાભારતનું યુધ્ધ પૂર્ણ થતાં પાંચેય પાંડવો શ્રી કૃષ્ણની સલાહથી પાપથી મુક્તિ મેળવવા માટે મહાદેવની ઉપાસના કરવા માટે ઉત્તરાખંડમાં ભટકતા રહ્યા. મહાદેવે પાંડવોની પરીક્ષા લેવા માટે મહિષ (પાડો)નું રૂપ લીધું. પાડાનું રૂપ લઈને મહાદેવ પાંડવોની જોડે રહેલા અન્ય પ્રાણીઓના જૂથમાં જોડાઈ ગયા. જ્યારે ભીમને ખબર પડી કે મહાદેવ મહીષના રૂપમાં છે ત્યારે અન્ય પાંડવોએ બીજા પ્રાણીઓને ભગાડી દીધા. ભીમે મહાદેવને જતાં રોકવા માટે શિંગડાથી મહિષ રૂપી મહાદેવને પકડી લીધા. પણ મહાદેવ પાંડવોના હાથમાં ન આવતા અંતરધ્યાન થઈ ગયા. ભીમના બાહુબળના લીધે મહિષ રૂપી મહાદેવના 5 અંગો પૃથ્વી પર જ રહી ગયા. ત્યારબાદ પાંડવોએ દ્રૌપદી સાથે આ પાંચેય સ્થળો પર ભગવાન શિવના મંદિર બનાવ્યા અને તેમની પૂજા અર્ચનાની શરૂઆત કરીને સ્વર્ગ તરફ પ્રયાણ સાધ્યું.આ સ્થળો ઉત્તરાખંડમાં આજે પણ પંચ કેદાર તરીકે પૂજવામાં આવે છે.

કયા મંદિરો પંચ કેદારમાં સમાવિષ્ટ છે?
1. કેદારનાથ
2. તુંગનાથ
3. રુદ્રનાથ
4. મધમહેશ્વર
5. કલ્પેશ્વર

જાણો, મહિષ રૂપી ભગવાન શિવના કયા ભાગો પંચ કેદારમાં પૂજાય છે?

કેદારનાથ
હિમાચ્છાદિત શિખરો અને જંગલોની વચ્ચે કેદારનાથ મંદિર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. આ મંદિર પંચ કેદાર મંદિરોમાં મુખ્ય સ્થાન ધરાવે છે. મંદિરમાં શંકુ/ત્રિકોણ આકારનું શિવલિંગ છે જેને મહિષ રૂપી શિવનું ખૂંધ માનવામાં આવે છે. કેદારનાથનું આ મંદિર 3,584 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. કેદારનાથ મંદિરનો ટ્રેક ગૌરીકુંડથી શરૂ થાય છે અને લગભગ 19 કિમીનો ચઢાવ બાદ મંદિર સુધી પહોંચાય છે. આ ટ્રેક 6-7 કલાકમાં પૂર્ણ કરી શકાય છે.

તુંગનાથ
વિશ્વના સૌથી ઊંચા શિવ મંદિરોમાંનું એક મંદિર તુંગનાથ. જે રૂદ્રપ્રયાગ જિલ્લામાં 3,680 મીટરની ઊંચાઈએ આવેલું છે. કહેવાય છે કે અહીં ભગવાન શિવની ભુજાઓ દેખાઈ હતી. અહીં પહોંચવા માટે, તીર્થયાત્રીઓએ ચોપટાથી લગભગ 4 કિમી ટ્રેક કરીને જવું પડે છે. તુંગનાથ પહોંચતા રસ્તામાં નંદા દેવી, ચૌખંબા અને નીલકંઠ જેવા શિખરો આવે છે.

રુદ્રનાથ
રુદ્રનાથનું મંદિર આલ્પાઇન ઘાસના મેદાનો અને રોડોડેન્ડ્રોનના ગાઢ જંગલોની વચ્ચે 2,286 મીટર પર આવેલું છે. અહીં ભગવાન શિવને ‘નીલકંઠ મહાદેવ’ તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહિષ રૂપે અહીં તેમનો ચહેરો જોવા મળ્યો હતો. મંદિરની આસપાસ સૂર્ય કુંડ, ચંદ્ર કુંડ, તારા કુંડ અને માના કુંડ જેવા પવિત્ર કુંડ આવેલા છે. આ મંદિર સુધી પહોંચવાના મોટાભાગના ટ્રેક રુટ ગોપેશ્વર ગામથી શરૂ થાય છે.

મધમહેશ્વર
પંચ કેદારમાં સ્થાન ધરાવતું મધમહેશ્વરનું મંદિર લગભગ 3,289 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. એવું કહેવાય છે કે મધ્યમહેશ્વર અથવા મધ્યમહેશ્વરમાં શિવનો મધ્ય અથવા નાભિનો ભાગ ઉદ્ભવ્યો હતો.આ મંદિર સુધી જવાનો ટ્રેક 19 કિલોમીટર લાંબો છે.

કલપેશ્વર
પંચ કેદાર યાત્રાધામનનું છેલ્લું અને પાંચમું મંદિર કલ્પેશ્વર. પવિત્ર પંચ કેદાર મંદિરોમાંનું એકમાત્ર મંદિર છે જે આખું વર્ષ ખુલ્લું રહે છે. આ મંદિરની અંદર ભગવાન શિવના વાળની ​​પૂજા કરવામાં આવે છે.

કેદારનાથની યાત્રા 10 મે 2024થી શરૂ થવા જઈ રહી છે. જો આ વર્ષે કેદારનાથ જવાનો પ્લાન કરો છો તો પંચ કેદારની યાત્રા જરૂરથી કરજો.

આ પણ વાંચો: ઘરમાં મંદિર બનાવતી વખતે આ નિયમોનું પાલન કરો, તિજોરી ભરવામાં નહીં લાગે સમય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top