સાબરકાંઠામાં શોભના બારૈયાને ટિકિટ આપતા ભીખાજી ઠાકોરના સમર્થકો નારાજ, CMના નિવાસસ્થાને બેઠક

Lok sabha elections 2024: લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ભાજપે ગુજરાતની તમામ 26 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે આ વખતે અમુક બેઠકો પર ઉમેદવારને લઈ ભાજપમાં જ આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે. આવી જ એક સાંબરકાંઠા બેઠક છે જ્યાં ભાજપે મહિલા ઉમેદવારને ટિકિટ આપતા સ્થાનિક ભાજપમાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે. આ બેઠક પરનું કોકડું ઉકેલવા માટે આજે સવારથી જ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક ચાલી રહી છે.

ભીખાજીનાં કાર્યકરોએ રાજીનામા આપતા વિવાદ વધ્યો
સાબરકાંઠા લોકસભા બેઠકનાં આગેવાનો મુખ્યમંત્રી સાથે બેઠકમાં હાજર રહ્યાં છે. વિવાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સાબરકાંઠાનાં કાર્યકરો પણ પહોંચ્યા છે. સાબરકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવારને લઈ વિવાદ થયો હતો. ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું ભીખાજીનાં સમર્થનમાં કાર્યકરો દ્વારા રાજીનામાં આપતા વિવાદ વધી ગયો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં હર્ષ સંઘવીએ બેઠક યોજતાં એવી ચર્ચા વહેતી થઈ હતી કે ભાજપમાં આંતરિક વિરોધ ખાળવા સંઘવી હિંમતનગર પહોંચ્યા છે. જોકે બંધ બારણે 3 કલાકથી ચાલેલી બેઠકમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવાતાં હવે સાબરકાંઠામાં ત્રીજો ઉમેદવાર જાહેર થાય તેવી ચર્ચા શરૂ થઈ છે.

આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખને દૂર રખાયા હતા
આ બેઠકમાં સાબરકાંઠાના પહેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરને બોલાવવામાં આવ્યા જે બાદ સેન્સ પ્રક્રિયા માટે તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોને તાત્કાલિક બેઠકમાં ઉપસ્થિત રહેવા જાણ કરાઈ હતી. ત્યારે હવે શોભનાબેન બારૈયાના સ્થાને નવો ઉમેદવાર જાહેર થશે તેવી પ્રબળ શક્યતા છે. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બોલાવાયેલી બેઠકમાં અરવલ્લીના ભીખુસિંહ પરમાર, MLA પી.સી. બરંડા, પૂર્વ જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભીને બોલાવાયા હતા. જોકે, અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશ પટેલને બેઠકથી દૂર રખાતા તર્ક વિતર્ક શરૂ થયા છે.

બદલાઇ શકે છે ઉમેદવાર
આ સાથે બેઠકમાં જેમના નામની માગ થઇ રહી હતી તેવા મહિલા મોરચાના કૌશલ્યા કુંવરબા અને રેખાબા પણ ઉપસ્થિત છે. તેવામાં સાબરકાંઠામાં ભાજપ બીજી વખત ઉમેદવાર બદલી ત્રીજો ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે. બેઠકમાં હાલના ઉમેદવાર શોભના બારૈયાને આમંત્રણ અપાયું નથી. સેન્સ પ્રક્રિયા શરૂ થતાં સાબરકાંઠામા ભાજપના નવા ઉમેદવારને લઇ માહોલ ગરમાયો છે.

ભીખાજીનાં સમર્થકોએ ભાજપ કાર્યાલયે વિરોધ કર્યો હતો
સાબરકાંઠાનાં અરવલ્લી ભાજપ કાર્યાલય ખાતે ભીખાજીનાં સમર્થકો ફરી મેદાને ઉતર્યા છે. કાર્યાલયમાં ઉમેદવારોએ શોભનાબેન બારૈયાની હાજરીમાં વિરોધ કર્યો હતો. સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની સમર્થકોની ઉગ્ર માગ છે. ભાજપ કાર્યાલય પર વિરોધને લઈ કાર્યાલયનાં દરવાજા બંધ કરાવવાની ફરજ પડી હતી. ત્યારે વિરોધ કરી રહેલા કાર્યકરોને અટકાવવા પોલીસ બોલાવવી પડી હતી.

આ પણ વાંચો: AMCએ હીટ એક્શન પ્લાન જાહેર કર્યો: BRTS-AMTSના સ્ટેન્ડ પર ઓઆરએસનાં પેકેટ મળશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top