નિર્માતા રાજકુમાર સંતોષીને જામનગર કોર્ટે ફટકારી બે વર્ષની જેલની સજા, ભરવો પડશે બે કરોડનો દંડ

‘ઘાયલ’ અને ‘ઘાતક’ જેવી સુપરહિટ હિન્દી ફિલ્મોના નિર્માતા રાજકુમાર સંતોષીને ચેક બાઉન્સ કેસમાં શનિવારે જામનગર કોર્ટે સજા સંભળાવી છે. રાજકુમાર સંતોષીએ જામનગરના પ્રખ્યાત ઉદ્યોગપતિ અશોક લાલ પાસેથી 1 કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ પૈસા ચૂકવ્યા ન હતા જેથી અશોકલાલે નિર્માતા સામે જામનગર કોર્ટમાં કેસ કર્યો હતો. આ મામલે ચુકાદો આપતા જામનગર કોર્ટે રાજકુમાર સંતોષીને બે વર્ષની જેલની સજા અને તેને ચેકની બમણી રકમ એટલે કે બે કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?

આ મામલે અશોકલાલના વકીલના જણાવ્યા મુજબ રાજકુમાર સંતોષી અને અશોક લાલ નજીકના મિત્રો છે. વર્ષ 2015માં અશોક લાલે રાજકુમાર સંતોષીને એક કરોડ ઉછીના આપ્યા હતા. જેની ચૂકવણી પેટે સંતોષીએ 10 લાખના 10 બેંક ચેક આપ્યા હતા, જે ડિસેમ્બર 2016માં બાઉન્સ થયા હતા. આ અંગે અશોકલાલે રાજકુમાર સંતોષીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંતોષીએ વાત ન કરતાં અશોક લાલે જામનગર કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ નોંધાયા બાદ રાજકુમાર સંતોષી 18 સુનાવણીમાં ક્યારેય કોર્ટમાં હાજર રહ્યા નહોંતા. છેલ્લે વર્ષ 2019માં રાજકુમાર સંતોષી જામનગર કોર્ટમાં સુનાવણી માટે હાજર થયા હતા.

કોણ છે રાજકુમાર સંતોષી?

67 વર્ષના રાજકુમાર સંતોષી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત પ્રોડ્યુસર છે. તેણે સની દેઓલ, શાહિદ કપૂર, રણબીર કપૂર, કેટરીના કૈફ, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. તેણે ‘ખાખી’, ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’, ‘દામિની’ સહિત ઘણી ફિલ્મો બનાવી છે. આ સિવાય તેમણે ‘પુકાર’, ‘લજ્જા’, ‘દિલ હૈ તુમ્હારા’ અને ‘અંદાઝ અપના અપના’ જેવી ફિલ્મો માટે સ્ટોરી પણ લખી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top