7 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે, 7 મેએ ગુજરાતની 26 લોકસભા બેઠકો અને વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે

દિલ્હી ખાતે યોજાયેલી ચૂંટણી પંચની પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનરે આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાવાની છે.જેમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠક પર મતદાન થશે. આ દરમિયાન 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન થશે. જ્યારે 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન, 7 મેએ ત્રીજા તબક્કાનું મતદાન, 13 મેએ ચોથા તબક્કાનું મતદાન, 20 મેએ પાંચમા તબક્કાનું મતદાન, 25મેએ છઠ્ઠા તબક્કાનું મતદાન, 1 જૂને સાતમા તબક્કાનું મતદાન થશે જ્યારે 4 જૂને મતગણતરી હાથ ધરાશે

ગુજરાતના સંદર્ભે વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ચૂંટણી સાથે ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો પૈકી 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. આ બેઠકોમાં માણાવદર, ખંભાત, વિજાપુર, પોરબંદરઅને વાધોડિયા બેઠકોનો સમાવેશ થાય છે. વિસાવદર બેઠક પર ચૂંટણીની તારીખ જાહેર ન કરવામાં આવતા અનેક પ્રકારના તર્ક વિતર્ક થઇ રહ્યા છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો ચૂંટણીનું મતદાન ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેના રોજ મતદાન થશે અને 6 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ આ સાથે જ યોજાશે. 4 જૂનના રોજ મતગણતરી થશે અને પરિણામ જાહેર થશે.

પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે વર્ષ 2024 સમગ્ર વિશ્વમાં ચૂંટણીનું વર્ષ છે. ચૂંટણી પંચ માટે ચૂંટણીને લઇને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણી 2024 માં 10.5 લાખ મતદાન મથકોમાં 55 લાખ EVMનો ઉપયોગ થશે. આ સિવાય દરેક બુથ પર પીવાના પાણી, શૌચાલય, વોટર ફેલિસિટેશન સેન્ટર, ઢાળ ચઢવા માટે રેમ્પ, મેડિકલ ફેસિલીટી જેવી તમામ પ્રાથમિક વ્યવસ્થા મોજૂદ રહેશે. 85થી વધુ ઉંમરના લોકોના ઘરે જઇને મત લેવામાં આવશે. દેશભરમાં આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

દેશમાં હાલમાં 82 લાખ મતદાતા 85 વર્ષથી વધુ ઉંમરના છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે દેશના બધા લોકોને મતદાન કરવાની પણ અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે જ્યાં માત્ર 5, 10 મતદાતા છે એવી જગ્યાએ પણ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે અને મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે, તેથી દરેકે મતદાનમાં ભાગ લેવો જ જોઇએ અને મતદાન કરવું જ જોઇએ.દેશમાં પુરૂષ મતદારોની સંખ્યા 49.7 કરોડ છે, જ્યારે 2019માં આ આંકડો 46.5 કરોડ હતો. બીજી તરફ મહિલા મતદારો 47.1 કરોડ છે જે ગત ચૂંટણીમાં 43.1 કરોડ હતા. ચૂંટણી પંચે મતદાર યાદીમાં જેન્ડર રેશિયો હકારાત્મક રીતે વધ્યો હોવાનો અહેવાલ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ફ્યુચર ગેમિંગ કંપનીના માલિક કોણ છે જેણે ચૂંટણી બોન્ડમાં સૌથી વધુ દાન આપ્યું છે?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top