જખૌ નજીક દરિયામાં ભારતીય માછીમારોની બોટ પાકિસ્તાની હોડી સાથે ટકરાઈ, એક ખલાસીનું મોત

ખંભાળીયા: દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા વિસ્તારના માછીમારો સાથેની એક ફિશિંગ બોટ ઓખાથી પાકિસ્તાન તરફની જળસીમામાં માછીમારી કરી રહી હતી, ત્યારે પાકિસ્તાની બોટ સાથે ટક્કર થયાના અહેવાલો સાંપડાયા છે. જેમાં એક ખલાસીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય માછીમારોના અપહરણ થયાનું બહાર આવ્યું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના બેટ દ્વારકા ખાતે રહેતા પાંજરી ઈરફાન અલાના નામના એક માછીમાર આસામીની અલ હુસેની નામની ફિશિંગ બોટ ગત તારીખ ૧૫ માર્ચના રોજ સવારના સમયે સાત ખલાસીઓ તથા માછીમારી સાથે બેટ દ્વારકા ખાતેથી માછીમારી કરવા માટે નીકળી હતી. આ બોટમાં ૧૭ થી ૫૫ વર્ષની ઉંમરના ખલાસીઓ-માછીમારો હતા.

આ ફિશિંગ બોટ ભારતની જળસીમા નજીક માછીમારી કરી રહી હતી. ત્યારે આ સ્થળે કોઈ કારણોસર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી વિભાગની બોટ સાથે તેઓની ટક્કર થવાથી આ બોટમાં જઈ રહેલો બેટ દ્વારકાનો રહીશ પાંજરી સાયર મામદ નામનો ૧૯ વર્ષનો માછીમાર યુવાન મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેમાં સવાર અન્ય છ જેટલા માછીમારો લાપતા બન્યા છે. ત્યારે મૃતક પાંજરી સાયરના મૃતદેહને દ્વારકા બાદ જામનગર ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે.

આ સમગ્ર બાબત અંગે ઓખાના મત્સ્યોદ્યોગ અધિકારી, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તથા ઓખા મરીન પોલીસને પણ જાણ કરવામાં આવી છે. તા. ૨૧ માર્ચના રોજ બનેલા આ બનાવ અંગે સરકારી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને વિવિધ દિશાઓમાં આગળની કાર્યવાહી કરી છે. ઉપરોક્ત મુદ્દે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા સોશિયલ મીડિયામાં પણ કેટલીક બાબતો અંગે જાણકારી આપવામાં આવી હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો: ઝેરી દવા પીવાથી તમિલનાડુના સાંસદનું નિધન, ટિકિટ ન મળતા ભર્યું પગલું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top