ભાજપને ચૂંટણી પહેલા મોટો ફટકો, વડોદરાથી રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને ઉમેદવારોએ ફોર્મ ભરવા માંડ્યા છે. ત્યારે ગુજરાતમાં વડોદરા અને સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે અને ભીખાજી ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી બધાને ચોંકાવી દીધા છે. વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટે ચૂંટણીમાં નહીં ઝંપાવવાનું નક્કી કર્યું છે.અહીં જ્યારથી ભાજપે લોકસભા ચૂંટણી માટે રંજનબેન ભટ્ટના નામ પર પસંદગીની મહોર મારી છે ત્યારથી વિવાદનો ચરૂ ઉકળતો જોવા મળી રહ્યો છે. રંજનબેનનું નામ જાહેર થતાની સાથે જ પક્ષમાં અંદરો અંદરનો ખટરાગ બહાર આવ્યો હતો. આજે રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયામાં લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.

આ પહેલા ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાએ રંજનબેનની ઉમેદવારીને લઈને વિરોધ કર્યો હતો. પક્ષ દ્વારા રંજનબેનને સતત ત્રીજી વાર ઉમેદવાર બનાવવા સામે વિરોધ નોંધાવતા ભાજપે જ્યોતિબેન પંડયાને સસ્પેન્ડ કરી દીધા હતા. હજુ આ ઘટનાક્રમ પુરો થાય ત્યાં વડોદરામાં ‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં’ ‘વડોદરાનો વિકાસ ક્યાં ગયો?’ ‘કોઇના ગજવામાં કે ઘરમાં ગયો, જનતા જવાબ માંગે છે’ જેવા પોસ્ટરો લગાવીને રંજનબેન ભટ્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં થોડા દિવસ પહેલા મોડી રાત્રે સંગમ અને કારેલીબાગ વિસ્તાર આસપાસ અને ધારાસભ્ય મનીષાબેન વકીલની ઓફિસ પાસે રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા જેના પગલે વિવાદ સર્જાયો હતો.

નોંધનીય છે કે રંજનબેને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે તેમના રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ ભાજપના ઉમેદવારને હરાવીને પ્રથમ વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. બાદમાં તે ભાજપમાં જોડાયા હતા અને પછી તે શહેરના ડેપ્યુટી મેયર પણ બન્યા. જોકે, 2014માં વડોદરાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેમને થોડો સમય વડોદરા જિલ્લાના શહેર પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા.રંજનબેન ભટ્ટના પતિ ધનંજય ભટ્ટ LICમાં નોકરી કરે છે. વડોદરા નજીક ભરૂચના હાંસોટમાં જન્મેલા 61 વર્ષીય રંજનબેન ભટ્ટ છેલ્લા 22 વર્ષથી વડોદરામાં મહિલા ક્લબ ચલાવે છે. છેલ્લી બે ટર્મમાં તે લોકસભાની ઘણી સમિતિઓમાં રહી ચૂકી છે. 12મા ધોરણ સુધી અભ્યાસ કરેલા રંજનબેન ભટ્ટ કબડ્ડી પ્લેયર પણ રહી ચૂક્યા છે.

તો બીજી તરફ સાબરકાંઠા બેઠક પરથી ભિખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. ભિખાજી ઠાકોરે અંગત કારણોસર ચૂંટણી લડવાની ના પાડી છે.ભીખાજીને ટીકીટ આપવામાં આવી તેના થોડા જ સમયમાં તેમની અટકને લઈને મતવિસ્તારમાં વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મિડિયા પર ભીખાજી ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચા હતી અને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. આ મામલે સોશિયલ મિડિયામાં પણ પત્રિકા વોર શરૂ થયું હતું. સાબરકાંઠામાં ભાજપ દ્વારા વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડની ટિકિટ કાપીને અરવલ્લીના મેઘરજ તાલુકાના ભિખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાત ભાજપમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ બાદ આણંદના સાંસદ મિતેષ પટેલ સામે જોવા મળી રહેલા વિરોધને લઇને ભાજપ હાઇકમાન્ડે તાત્કાલિક ગુરૂવાર સાંજે સાંસદ મિતેષ પટેલ દિલ્હી તેડાવ્યા છે. દિલ્હી ખાતે ભાજપ મોવડી મંડળની શનિવારે મળનાર બેઠકમાં આણંદ બેઠકનો ફેંસલો થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : રશિયામાં ISISનો આતંકી હુમલો: 150થી વધુ ઘાયલ, 60નાં મોત, મૃત્યુ આંક વધવાની શક્યતા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top