18મી લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે ત્યારે જાણો ભારતીય સંસદની આ રસપ્રદ હકીકતો

અઢારમી લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. જૂન 2024ની મધ્યમાં વર્તમાન સત્તરમી લોકસભાનો કાર્યકાળ સમાપ્ત થશે. એ પહેલા નવી સંસદની રચના થઈ જવી બંધારણીય રીતે જરૂરી છે. આ તબક્કે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે લોકસભાની ગુજરાતની 26 બેઠકોના સંદર્ભમાં આ પાંચમી એવી લોકસભા છે કે જેના તમામ સંસદસભ્યોએ તેમની પાંચ વર્ષની મુદત પૂર્ણ કરી છે.

અગાઉ 1957માં બીજી, 1989માં નવમી, 1991માં દસમી અને વર્ષ 2004માં ચૌદમી લોકસભાના ગુજરાતના તમામ સંસદસભ્યોએ તેમની સંસદીય મુદત પૂર્ણ કરી હતી. એ સિવાયની લોકસભામાં રાજીનામા કે સભ્યના મુદત દરમિયાન અવસાનને કારણે પેટાચૂંટણીના સંજોગો ઉભા થયા હતા. એક અપવાદરૂપ હકીકત લેખે જણાવવાનું કે 1989માં નવમી લોકસભાનો કાર્યકાળ માત્ર સવા વર્ષનો રહ્યો હતો. એ સમયે ભાવનગરના સંસદસભ્ય શશીકાન્તભાઈ જમોડનું અવસાન થયું હતું પરંતુ લોકસભાનો કાર્યકાળ ટુંકાઈ ગયો હોવાથી ભાવનગર લોકસભા બેઠકની પેટાચૂંટણી યોજાઈ નહોતી. બીજી લોકસભામાં ગુજરાતના માત્ર બાવીસ સંસદસભ્યો હતા.

પેટાચૂંટણીઓ વિશે જાણવા જેવી રસપ્રદ વિગતોમાં ગુજરાતમાં લોકસભા બેઠકની પહેલી પેટાચૂંટણી પ્રથમ લોકસભાના સ્પીકર ગણેશ વાસુદેવ માવળંકરના હોદ્દા પર રહેતા થયેલા અવસાનને કારણે યોજવી જરૂરી બની હતી. તેઓ અમદાવાદની બીજી અને સામાન્ય બેઠકના કૉંગ્રેસના સંસદસભ્ય હતા. પેટાચૂંટણીમાં તેમના પત્ની સુશીલાબહેન બિનહરીફ વિજેતા થયા હતા. એ સમયના રાજકારણની રૂહ પ્રમાણે અમદાવાદના મહાજનો અને જાહેરજીવનના અગ્રણીઓએ સુશીલાબહેન સામે કોઈ ઉમેદવાર ઉભો નહીં રાખવો એવો નીતિગત નિર્ણય કર્યો હતો.

ગુજરાતમાં લોકસભા બેઠકની છેલ્લી પેટાચૂંટણી વડોદરા લોકસભા બેઠક માટે 2014માં યોજાઈ હતી. સોળમી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વડોદરા બેઠક પર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર એવા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિજેતા થયા હતા. તેઓ એ સમયે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી પણ ઉમેદવારી કરતા વિજેતા થયા હતા. નિયમ લેખે કોઈ એક બેઠકનું પ્રતિનિધિત્વ જ કરી શકાય. એ સંજોગોમાં તેમણે વડાપ્રધાન પદના શપથ લીધા પછી વડોદરા બેઠક ખાલી કરી હતી. એ પછી જે પેટાચૂંટણી યોજવી પડી એમાં 2014ના એ જ વર્ષે ભાજપના શ્રીમતી રંજનબહેન ભટ્ટ ચૂંટાઈ આવ્યા. ઉલ્લેખનીય છે કે બે મુદત સંસદસભ્ય રહ્યા પછી રંજનબહેન ત્રીજી વાર ઉમેદવાર તરીકે જાહેર થયા છે અને તેમના નામનો પ્રાથમિક સ્તરે, સ્થાનિક સ્તરે વિરોધ પણ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : આ મની લોન્ડરિંગ શું છે? જેના કારણે અરવિંદ કેજરીવાલને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top