જવલ્લે જ જોવા મળતો કિસ્સો, બે રાજ્યોમાં ડીજીપી બન્યા બે સગા ભાઈ. જાણો કોણ છે IPS વિવેક અને વિકાસ સહાય?

ચૂંટણી પંચની સૂચના બાદ પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને હટાવી નવા ડીજીપી તરીકે વિવેક સહાયની નિમણૂક કરવામાં આવી છે. આ પછી એક જવલ્લેજ બનતો સંયોગ બન્યો છે કે બે ભાઈઓ બે રાજ્યોમાં ડીજીપી બની ગયા છે. ખરેખર, ગુજરાતના વર્તમાન ડીજીપી વિકાસ સહાય અને પશ્ચિમ બંગાળના ડીજીપી વિવેક સહાય સગા ભાઈઓ છે. જ્યારે તેમના સૌથી નાના ભાઈ વિક્રમ સહાય આઈઆરએસ અધિકારી છે અને આવકવેરા વિભાગ, દિલ્હીમાં તેમની ફરજ બજાવે છે. વિવેક સહાય 1988 બેચના આઈપીએસ અધિકારી છે જ્યારે ગુજરાત ડીજીપી વિકાસ સહાય 1989 બેચના અધિકારી છે.

આ અંગે વિકાસ સહાયે કહ્યું હતું કે, અમે ત્રણેય ભાઇઓ સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યા હતા. જેમાંથી બે ભાઈઓ આઈપીએસ બન્યા અને એક ભાઈ આઈઆરએસ ઓફિસર બન્યા છે. એક ઇન્ટરવ્યુમાં તેઓએ વિકાસ સહાયે જણાવ્યું હતું કે જ્યારે પણ ભાઇઓને મળવાનું થાય ત્યારે અમે સર્વિસને લઇને ચર્ચાઓ કરીએ છીએ. વિવેક સહાય આ અગાઉ પશ્ચિમ બંગાળમાં ડાયરેકટર જનરલ હોમગાર્ડ તરીકે કાર્યરત હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વિવેક સહાય મે 2024માં જ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. સોમવારે ચૂંટણી પંચે 6 રાજ્યોના ગૃહ સચિવો અને પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને હટાવવાનો આદેશ આપ્યો હતો. રાજીવ કુમાર પર અગાઉ પણ મમતા બેનર્જી સરકારની તરફદારી કરવાનો આરોપ લાગ્યો હતો. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે ચૂંટણીને પારદર્શક અને નિષ્પક્ષ બનાવવા માટે આ બધા પગલાં લેવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે મમતા સરકાર પાસે ત્રણ નામો માંગ્યા હતા જેમાં વિવેક સહાયનું નામ ટોચ પર હતું. આવી સ્થિતિમાં તેમને તરત જ ડીજીપીના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા અને રાજીવ કુમારને આઈટી વિભાગના સચિવ બનાવવામાં આવ્યા હતા.

જ્યારે વિકાસ સહાય 1999માં આણંદ જિલ્લાના એસપી બન્યા હતા. ત્યાર પછી 2001 માં, અમદાવાદ ગ્રામ્યમાં એસપી તરીકે તેમનું પોસ્ટીંગ થયું હતુ. તેઓ અમદાવાદમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ગોધરાની ઘટના દરમિયાન તેમને ઈજાઓ પણ થઈ હતી. ત્યારબાદ 2004માં તેમને અમદાવાદમાં ટ્રાફિક ડીસીપી અને 2005માં એડિશનલ ટ્રાફિક સીપી બનાવવામાં આવ્યા હતા. તેઓ સુરતમાં એડિશનલ સીપીના પદ પર નિયુક્ત થવાની સાથે CIDના IG પણ રહી ચુક્યા છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર: નાગપુરમાં ઠંડી ઓછી પડવાથી નારંગીની ખેતીને ભારે નુકસાન, અન્નદાતાની કફોડી સ્થિતિ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top