જાણો તણાવ જીવનમાં કેમ જરૂરી છે, તણાવથી દૂર રહેવા માટે વિશેષજ્ઞોની ટિપ્સ જાણો

થોડો તણાવ તો જીવનમાં જરૂરી છે…:મુશ્કેલ સમયમાં તણાવ વ્યક્તિને કામ પૂર્ણ કરવાની અને પરિસ્થિતિ સામે લડવાની તાકાત આપે છે. તણાવ વ્યક્તિને વિવિધ પડકારોનો સામનો કરવા તૈયાર કરે છે. શરત બસ એટલી જ છે કે તમે ધીરજ રાખીને લડતાં શીખો. તણાવ આજના સમયમાં સૌથી વધુ ચર્ચાસ્પદ વિષય છે. વેલનેસ સેન્ટરથી લઇને ડૉક્ટર પણ તેનાથી બચવાની સલાહ આપતા હોય છે. કેમકે તણાવને લાંબા સમય સુધી નજરઅંદાજ કરવાથી તે માનસિક-શારીરિક સ્વાસ્થ્ય માટે ખતરો ઉદ્ભવતો હોય છે. પરંતુ, તાજેતરના રિસર્ચ અનુસાર થોડો તણાવ પણ વાસ્તવમાં સારો હોય છે.

તણાવ કેમ જરૂરી?
બર્કલે સ્થિત કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં જીવવિજ્ઞાનના પ્રોફેસર ડેનિએલા કોફર અનુસાર તાજેતરના દાયકામાં તણાવને લઇને ડર જોવા મળે છે. પરંતુ તણાવ કાર્યક્ષમ રહેવા માટે જરૂરી પરિબળ છે. જો તેનાથી બચવાની રીત સારી હોય તો આ તણાવ મુશ્કેલીમાં તાકાત બને છે અને વ્યકિને પડકારો માટે તૈયાર કરે છે. આપણે તણાવથી ભાગવાને બદલે તેનો સામનો કરવાનું શીખવું જોઇએ. વાસ્તવમાં, એવા લોકો જે કઠિન સ્થિતિમાંથી બોધ લઇને આગળ વધવાની હિંમત રાખે છે તેઓ મુશ્કેલીના સમયમાં શ્રેષ્ઠ કામ કરતા હોય છે.

રિસર્ચ પ્રમાણે તણાવથી ઇમ્યુનિટી સિસ્ટમ સુધરે છે
જીવનના ઉતાર-ચઢાવ સામે ઝઝૂમવું કેટલીક હદ સુધી સ્વાસ્થ્ય માટે સારું હોય છે. કેટલાંક રિસર્ચ અનુસાર તણાવથી ઇમ્યુનિટી સુધરે છે. ખરાબ સમયમાં નજીકના લોકોનો સહયોગ પણ જરૂરી છે. તેમનું સમર્થન તણાવ અને આઘાતના નકારાત્મક પ્રભાવોની વિરુદ્ધ પ્રતિરોધક શક્તિ તરીકે કામ કરે છે. યાદ રાખો કે તણાવ મુશ્કેલ, પરંતુ જીવનનો જરૂરી હિસ્સો છે. આપણે એ નક્કી ન કરી શકીએ કે ભવિષ્યમાં આપણી સાથે શું થવાનું છે. પરંતુ તેનો સામનો કેવી રીતે કરવો, તેને કેવી પ્રતિક્રિયા આપવી તે આપના જ હાથમાં હોય છે. કેનેડાસ્થિત વિક્ટોરિયા યુનિવર્સિટીમાં સાઇકોલોજીના પ્રોફેસર જોનાથન રશ જણાવે છે કે તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ભાવનાત્મક પ્રતિક્રિયા અને તણાવની વચ્ચે એક સ્પોટ હોય છે. સંકટમાં વધુ અથવા ઓછી પ્રતિક્રિયા આપનારાનું સ્વાસ્થ્ય ખતરામાં રહે છે. જ્યારે આ સ્થિતિમાં ધીરજ સાથે પ્રતિક્રિયા આપનારા સૌથી વધુ સ્વસ્થ રહે છે. યોગ અને ધ્યાન આવા પડકારોમાં સંતુલિત પ્રતિક્રિયા આપવા માટે મદદ કરે છે.

દૃષ્ટિકોણ પર નિર્ભર: આપણી અનુકૂલનક્ષમતા તણાવમાં વધુ નિખરે છે
જોર્જિયા યુનિવર્સિટીના પ્રોફેસર અસર ઓશ્રી કહે છે કે અનુકૂલનક્ષમતા કોઇ જન્મજાત ગુણ નથી, પરંતુ લાંબા પ્રયાસોથી શીખાતી એક પ્રક્રિયા છે. તે આસપાસના માહોલ અને સમસ્યાને જોવાના દૃષ્ટિકોણથી વિકસિત થાય છે. જો લોકોમાં તણાવ જોવા ન મળે તો તેઓ અનુકૂલનક્ષમતા વિકસિત કરી શકતા નથી. અનેકવાર તણાવ માનસિક આરોગ્યને મજબૂત બનાવે છે અને લોકોને મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થાય છે.

તણાવથી કેવી રીતે બચવું?

પોષકયુક્ત આહાર
પૂરતા પોષકતત્વો તણાવપૂર્ણ ઘટનાઓનો સામનો કરવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે. કેટલાક સંશોધન પ્રમાણે ઓમેગા -3, ચરબી અને શાકભાજી સહિત ફેટી એસિડ જેવા અમુક ખોરાક સ્ટ્રેસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગમતું સ્વાદિષ્ટ ભોજન ખાવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સ રીલીઝ થાય છે જેથી વ્યક્તિના સ્ટ્રેસ લેવલમાં ઘટાડો થાય છે.

યોગ
નીયમિતપણે યોગ કરવાથી, ઊંડા શ્વાસ લેવાથી સ્ટ્રેસમાં ઘટાડો થાય છે. યોગ તણાવની સ્થતિમાં શાંત રહીને યોગ્ય પ્રતિક્રિયા આપવામાં મદદ કરે છે. જ્યારે પણ સ્ટ્રેસની માત્રામાં વધારો થતો લાગે ત્યારે ઊંડા શ્વાસ લેવાથી તરત જ સ્ટ્રેસનું પ્રમાણ ઘટાડી શકાય છે. ઊંડા શ્વાસ લેવાથી મગજના કોષોને પૂરતા પ્રમાણમાં ઑક્સીજન મળે છે. જેથી સ્ટ્રેસની પરિસ્થિતિમાં સરળતાથી રિલેકસ થઈ શકાય છે.

ગમતી પ્રવૃતિ
ઘણીવાર અતિશય વ્યસ્ત લાઈફના લીધે સ્ટ્રેસ ઉદ્ભવતો હોય છે. આવી સ્થિતિમાં “Me time” નીકળીને ગમતી પ્રવૃતિઓ કરવાથી પણ સ્ટ્રેસમાં ઘટાડો થાય છે. જેમાં ગમતું સંગીત, તમારી હોબીને લગતી પ્રવૃતિઓ, લોંગ ડ્રાઈવ, પિકનિક વગેરે જેવી પ્રવૃત્તિઓ કરી શકાય છે.

પૂરતી ઊંઘ
જો ઊંઘ પૂરી ન થઈ હોય તો પણ કાર્યક્ષમતા ઘટી જતી હોય છે અને સ્ટ્રેસનું પ્રમાણ વધતું હોય છે. માટે દરરોજ 8 કલાકની ઊંઘ પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

દરેક વ્યક્તિની સંવેદનક્ષમતા અને જએ તે ઘટના પર આપવામાં આવતી પ્રતિક્રિયા જુદી જુદી આવતી હોય છે. તેથી, જો સ્ટ્રેસની પરિસ્થિતિ લાંબા સમયથી હોય તો વ્યક્તિનો સ્વભાવ ચીડચીડો થઈ જતો હોય છે. તેની કામ કરવાની ક્ષમતામાં ઘટાડો નોંધતો હોય છે અને ગુસ્સાના પ્રમાણમાં વધારો થઈ જતો હોય છે. માટે જો સ્ટ્રેસ મેનેજમેન્ટ સારી રીતે કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો: ગુસ્સામાં આંસુ કેમ આવે છે? જો વિવાદ દરમિયાન રડવા માગતા નથી, તો આ ટિપ્સ અનુસરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top