નોકરીના બહાને 20 ભારતીયોને યુદ્ધ માટે રશિયા મોકલવામાં આવ્યા હતા, તેમને બહાર કાઢવા માટે ભારત સરકાર પ્રયત્નશીલ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કેટલાક ભારતીયો પણ ફસાયા છે. સરકારે આ અંગે માહિતી આપતા ગુરુવારે જણાવ્યું હતું કે 20 એવા ભારતીયો છે જેમને સારી નોકરી અને પગારના વચન સાથે રશિયા મોકલવામાં આવ્યા હતા. આ લોકો હજુ પણ ત્યાં ફસાયેલા છે અને તેમને પાછા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. આ માટેના ભારત સરકારની રશિયન સત્તાવાળાઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયામાં ફસાયેલા આ લોકોએ અમારો સંપર્ક પણ કર્યો છે. આ લોકોને સારા પગાર અને સુવિધાઓની લાલચ આપીને રશિયા લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં થોડો સમય તાલીમ લીધા બાદ તેમને યુદ્ધ મોરચે ધકેલી દેવામાં આવ્યા હતા.

હવે આ લોકો મુશ્કેલીમાં છે અને તેમના પરિવારજનોએ પણ ભારત સરકારને અપીલ કરી છે કે તેઓ તેમને છોડાવીને ઘરે પહોંચાડે. આ અગાઉ 26 ફેબ્રુઆરીએ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ઘણા ભારતીયો રશિયન આર્મીમાં જોડાયા છે જેમને ભારત પરત લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રશિયન સેના અને સરકાર સમક્ષ આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે કે ભારતીયોને ત્યાં બળજબરીથી રાખવામાં ન આવે અને તેમને સ્વદેશ પરત મોકલવામાં આવે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે ભારતીય દૂતાવાસે આ લોકોનો સંપર્ક કર્યો છે. આ સિવાય રશિયન સરકાર સાથે પણ વાતચીત ચાલી રહી છે જેથી તેમને વહેલી તકે ભારત લાવવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલો સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ ઉઠાવ્યો હતો. જ્યારે કેટલાક પીડિતોએ ઓવૈસી પાસે મદદ પણ માંગી હતી. એક પીડિતે તેમના પરિવારના સભ્યો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નોકરીની લાલચે રશિયા પહોંચ્યા બાદ તેમને બેઝિક હથિયારોની ટ્રેનિંગ આપવામાં આવી અને પછી તેને યુક્રેન સામેના યુદ્ધ મોરચે મોકલવામાં આવ્યો હતો ત્યાં તેનો જીવ પણ જોખમમાં છે અને તે દરેક ક્ષણે મોતનો સામનો કરી રહ્યો છે.

સુરતનો યુવાન પણ યુક્રેન સામે લડતા મોતને ભેટ્યો

સુરતનો 23 વર્ષીય યુવાન હેમલ માંગુકિયા રશિયન આર્મીમાં સહાયક તરીકે ડિસેમ્બર 2023માં જોડાયો હતો. પહેલા તેને મુંબઈ અને બાદમાં ચેન્નઈ અને ત્યાંથી રશિયાના મોસ્કો મોકલવામાં આવ્યો હતો. મોસ્કો પહોંચતા સાથે જ રશિયન ભાષામાં તેની પાસે કોન્ટ્રાક્ટ સાઈન કરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોઈ નોકરી નહિ પણ સીધી જ આર્મીમાં હેલપર તરીકે ભરતી કરવામાં આવી હતી. જ્યાં રશિયા બોર્ડર પાસે યુક્રેન દ્વારા થયેલ ડ્રોન હુમલામાં હેમલનું મૃત્યુ થયું.

રશિયામાં ફસાયેલા લોકોમાં મોટા ભાગના ગુજરાત, યુપી, પંજાબના રહેવાસીઓ

રશિયામાં ફસાયેલા લોકો મુખ્યત્વે ગુજરાત, યુપી અને પંજાબ જેવા રાજ્યોના રહેવાસીઓનો સમાવેશ થાય છે. આમાંના મોટાભાગના લોકો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા નથી અને તેમને ઉચ્ચ પગારની લાલચ આપીને ત્યાં લઈ જવામાં આવ્યા હતા.હવે કમાવવાના લોભમાં વિદેશ ગયેલા આ લોકો પળે પળે મોતનો સામનો કરી રહ્યા છે અને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં દિવસો પસાર કરી રહ્યા છે. પીડિતોના પરિવાર દ્વારા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવે ભારતીય દૂતાવાસ દ્વારા આ લોકોને ટૂંક સમયમાં પરત લાવવામાં આવે. ભારત સરકારે પણ આ અંગે રશિયન પ્રશાસન પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

આ સમાચાર પણ વાંચો : પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બનશે માતા પિતા, 7 મહિના પછી બાળકની થશે ડિલિવરી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top