Byju’s Crisis: બાયજૂની બધી ઓફિસ પર તાળા, Work From Home કરશે કર્મચારી

Byju’s Office: સંકટમાં ફસાયેલી બાયજૂ કંપનીએ મોટો નિર્ણય લેતા કંપનીની દરેક ઓફિસ પર તાળાં મારી દીધા છે. બીજો નિર્ણય ન લેવાય ત્યાં સુધી બાયજૂના દરેક કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ (Work From Home)નો આદેશ આપવામાં આવ્યો છે. પોતાના રોકાણકારો સાથે વિવાદમાં સંપડાયેલી બાયજૂ કંપની તેના 20 હજાર કર્મચારીઓને પગાર આપવામાં નિષ્ફળ રહી હતી. જેને પગલે બાયજૂ દ્વારા કોસ્ટ કટીંગનો નિર્ણય લેવાયો છે.

હેડક્વાર્ટરને બાદ કરતાં દેશની બધી જ ઓફિસ પર તાળા
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાયજૂએ બેંગ્લુરુના આઇબીસી નોલેજ પાર્કમાં સ્થિત હેડક્વાર્ટર સિવાય દેશની બધી જ ઓફિસ બંધ કરી દીધી છે. આ સિવાય કર્મચારીઓને બીજો આદેશ ન અપાય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ કરવાનો આદેશ અપાયો છે. આ સમય દરમિયાન બાયજૂના ટ્યુશન સેન્ટર જ ચાલુ રહેશે. જેથી કંપનીને પૈસા બચાવવામાં મદદ મળશે. થોડા સમય પહેલા બાયજૂના ફાઉન્ડર અને સીઇઓ બાયજૂ રવીન્દ્રનએ કર્મચારીઓને ફેબ્રુઆરીનો પગાર 10 માર્ચ સુધી ચૂકવી દેવાનો દાવો કર્યો હતો. પરંતુ પગાર ચૂકવવામાં કંપની નિષ્ફળ રહી હતી. રવિવારે કંપનીએ કર્મચારીઓને પાર્ટ ટાઈમ પગાર ચૂકવી દીધાનો દાવો કર્યો હતો. કંપની મેનેજમેન્ટે લેટર લખીને બાકી રહેલો પગાર ચૂકવવા માટે કર્મચારીઓ પાસેથી સમય માંગ્યો હતો.

બાયજુ રવિન્દ્રન અને શેરધારકો વચ્ચેનો વિવાદ
હાલમાં બાયજૂ રવિન્દ્રન અને કંપનીના શેરધારકો વચ્ચે નવા બોર્ડની રચનાને લઈને વિવાદ ચાલી રહ્યો હોવાથી આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. કોર્ટે રાઇટ્સ ઇશ્યૂમાંથી મળેલા નાણાંના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. થોડા સમય પહેલા શેરધારકોએ બાયજૂ રવિન્દ્રન અને તેમના પરિવારને બોર્ડમાંથી હટાવવાની માંગણી કરી હતી. તેથી રવિન્દ્રનએ આ બેઠકને ગેરકાયદેસર ગણાવી હતી.

કંપની રાઇટ્સ ઇશ્યૂમાંથી મળેલા નાણાંનો ઉપયોગ કરવા અસમર્થ
સમગ્ર વિવાદ વચ્ચે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા 27 ફેબ્રુઆરીએ જારી કરાયેલા આદેશ પ્રમાણે edtech કંપનીએ રાઇટ્સ ઇશ્યૂમાંથી મેળવેલા નાણાંને હાલમાં એસ્ક્રો એકાઉન્ટમાં રાખવા પડશે. કંપની મેનેજમેન્ટ અને ચાર મોટા રોકાણકારો વચ્ચેના વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી આ નાણાંનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top