કોંગ્રેસને વધુ એક ફટકો, પાંચ વખત સાંસદ રહી ચૂકેલા દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા

લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ કોંગ્રેસમાંથી ટપોટપ વિકેટો પડી રહી છે અને રાજીનામાનો દોર શરૂ થયો છે. ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ રાજ્યસભાના સાંસદે રાજીનામું આપી પોતાનાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા ફરી એક વખત ડેમેજ કંટ્રોલ કરવામાં ગુજરાત કોંગ્રેસનું મોવડી મંડળ નિષ્ફળ નિવડ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. પાંચ વખત સાંસદ રહી ચૂકેલા દિગ્ગ્જ આદિવાસી નેતાના રાજીનામાના પગલે કોંગ્રેસના ખેમામાં સન્નાટો જોવા મળી રહ્યો છે. નારણ રાઠવાના પુત્રએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલી આપ્યું હતુ. રાજીનામા પાછળ તેઓએ પક્ષમાં કોઇ સાંભળતું ન હોવાનું કારણ આગળ ધર્યું હતુ.

કોંગ્રેસમાં ધીમી ગતિએ કામ થતા હતા- રાઠવા

કોંગ્રેસનાં પૂર્વ રાજ્યસભાનાં સાંસદ નારણ રાઠવા તેમનાં પુત્ર તેમજ 500 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. નારણ રાઠવાએ કમલમમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનાં હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સમયે તેઓએ કોંગ્રેસમાં રહીને કામો ન થતા હોવાનો અને વડાપ્રધાન મોદીની કાર્યપદ્ધતિથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતુ. તેઓએ આશા વ્યક્ત કરી હતી કે ભાજપમાં આવ્યા બાદ વિકાસનાં કામો ઝડપી બનશે. ભાજપમાં જોડાતા પહેલા નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવાએ જણાવ્યું હતું કે, અમે પક્ષ પાસે કોઈ અપેક્ષા રાખતા નથી. અમે વિકાસની રાજનીતિ જોઈને ભાજપમાં જોડાયા છીએ. અમારી કોઈ નારાજગી નથી.

છેલ્લા થોડા સમયમાં ઘણા કોંગ્રેસીઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો

લોકસભા ચૂંટણી પહેલા તમામ પક્ષોમાં ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. તેવામાં મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સહિતના નેતાઓ આજે ભાજપમાં જોડાયા હતા. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. તો જામજોધપુર – લાલપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયાનું ભાજપે પક્ષમાં સ્વાગત કર્યું હતુ. તો ડભોઈ બેઠકના અન્ય ભૂતપૂર્વ ધારાસભ્ય, બાલકૃષ્ણ પટેલ (બાબુ ઢોલાર), જેઓ કોંગ્રેસની ટિકિટ પર 2022માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા, તેઓ ફરીથી ભાજપમાં જોડાયા હતા. આ સિવાય રાજ્ય કોંગ્રેસના અન્ય પછાત વર્ગ (ઓબીસી) વિભાગના વડા ઘનશ્યામ ગઢવી અને અમદાવાદના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવી અને કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડનાર વડોદરા ડેરીના ડાયરેક્ટર કુલદિપસિંહ પણ તેમના 1000 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા.

આ સમાચાર પણ વાંચો : ‘મલાલાની જેમ મારે…’, કાશ્મીરીની પત્રકાર યાના મીરે બ્રિટિશ સંસદમાં પાકિસ્તાનને બરાબરનો ઉધડો લીધો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top