ભૂતપૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું હાર્ટ એટેકેને કારણે નિધન, મોટ-મોટા ક્રિકેટર્સને આપ્યું હતું કોચિંગ

વડોદરામાં ભૂતપૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું હાર્ટ અટેકથી નિધન થયું હતું. જેને લઈને પરિવારમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, બુધવારે 67 વર્ષીય જસ્મીન નાયકનું હાર્ટ અટેકને કારણે નિધન થયું હતું. જસ્મીન નાયક બરોડા ક્રિકેટ એસોસિયેશન (બીસીએ)ના અંડર-16 અને અંડર-19 ટીમના સિલેક્ટર હતા. મહત્વની વાત એ છે કે, જસ્મીન નાયકે ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને કોચિંગ આપ્યું હતું.

વડોદરા શહેરના પંચામૃત ફ્લેટમાં રહેતા પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યું થયું હતું. જેને પગલે તેમના ઘરે પૂર્વ ક્રિકેટરો પહોંચ્યા હતા. ખાસવાડી સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જસ્મીન નાયકે બે ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી જેમાં તેમણે 21 રન ફટકાર્યાં હતા અને બે વિકેટ ઝડપી હતી. તેમનો જન્મ 21 ઓગસ્ટ 1956ના રોજ મહારાષ્ટ્રના વિરારમાં થયો હતો.

બે દિવસ પહેલા જ દત્તાજીરાવ ગાયકવાડનું થયું હતું નિધન

પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું મંગળવાર 13 ફેબ્રુઆરી 2024એ 95 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પરિવારના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 12 દિવસથી બરોડાની એક હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ હતાં. જોકે મંગળવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દત્તાજીરાવ ગાયકવાડે 1952થી 1961 વચ્ચે ભારત માટે 11 ટેસ્ટ રમી હતી. તેમણે 1959માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમની કેપ્ટનશીપ પણ કરી હતી. તેમણે 1952માં લોડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 1961માં ચેન્નઈમાં પાકિસ્તાન સામે હતી.

દત્તાજીરાવ ગાયકવાડે બરોડા ટીમ તરફથી 1947થી 1961 દરમિયાન રણજી ટ્રોફી રમી હતી. જેમાં તેમણે 14 સદીની મદદથી 3139 રન ફટકાર્યા હતા. તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 249 રન હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top