કેલિફોર્નિયામાં ભારતીય-અમેરિકન દંપતી અને જોડિયા પુત્રોના મૃતદેહ મળ્યાં, પતિ-પત્નીને ગોળી મારી દેવામાં આવી

અમેરિકાના કેલિફોર્નિયામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ભારતીય મૂળનો એક પરિવાર શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતકોની ઓળખ 42 વર્ષીય આનંદ સુજીત હેનરી, તેમની 40 વર્ષની પત્ની એલિસ પ્રિયંકા અને તેમના 4 વર્ષના જોડિયા બાળકો નોહ અને નાથન તરીકે થઈ છે. પોલીસને આ વિશે ત્યારે જાણ થઈ જ્યારે પરિવારના કોઈ સંબંધીએ ઘરે ફોન કર્યો અને કોઈએ ફોનનો જવાબ ન આપ્યો.

ઘટનાની માહિતી મળતાંની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યાર બાદ મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતક પરિવાર મૂળ કેરળ હોવાનું સામે આવ્યું છે. પોલીસ હત્યા અને આત્મહત્યાના એંગલથી કેસની તપાસ કરી રહી છે. મોત પાછળના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી.

પોલીસે જણાવ્યું કે, પતિ-પત્નીનું બાથરૂમમાં ગોળી વાગવાથી મોત થયું હતું. સ્થળ પરથી 9 એમએમની પિસ્તોલ અને એક મેગેઝીન પણ મળી આવી હતી. પ્રારંભિક તપાસમાં એવું સૂચવવામાં આવ્યું હતું કે, એર કંડિશનર અથવા હીટરમાંથી કાર્બન મોનોક્સાઇડ ગેસ લીક ​​થવાને કારણે મૃત્યુ થયું હતું. પરંતુ પોલીસને ઘરમાં ગેસ લીકેજ કે ખામીયુક્ત ઉપકરણોના કોઈ પુરાવા મળ્યા નથી.

આનંદ અને એલિસ બંને આઈટી સેક્ટરમાં કામ કરતા હતા અને છેલ્લા 9 વર્ષથી અમેરિકામાં રહેતા હતા. આનંદ સોફ્ટવેર એન્જિનિયર હતો અને એલિસ વરિષ્ઠ વિશ્લેષક હતી. તે બે વર્ષ પહેલા ન્યુ જર્સીથી સાન માટો કાઉન્ટીમાં રહેતા હતા.આ કપલે વર્ષ 2020માં 17.42 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો.

કોર્ટના રેકોર્ડ પ્રમાણે, આનંદે ડિસેમ્બર 2016માં છૂટાછેડા માટે અરજી કરી હતી પરંતુ કોર્ટમાં અલગ થવાની પ્રક્રિયા થઈ શકી ન હતી. આડોશ-પાડોશના લોકો કહે છે કે, પતિ-પત્ની ખૂબ ફ્રેન્ડલી હતા. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ ભારતમાં તેમના પરિવારોના સંપર્કમાં છે અને તેમને કોન્સ્યુલર સહાય પૂરી પાડવામાં આવી રહી છે. કોન્સ્યુલેટે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top