રાજકોટના નામાંકિત બિલ્‍ડર ગ્રુપ ઉપર વહેલી સવારથી 30થી વધુ સ્‍થળો ઉપર આવકવેરા વિભાગના દરોડા, 150થી વધુ અધિકારીઓ કાર્યવાહીમાં જોડાયા

નાણાકીય વર્ષ 2023-24 પૂર્ણતાના આરે છે અને હવે માત્ર એક જ મહિનો બાકી છે ત્‍યારે ઇન્‍કમટેક્ષે તેના નિર્ધારીત લક્ષ્યાંકોને પૂરા કરવા સર્વે અને સર્ચની કામગીરી તેજ કરી છે. અગાઉ અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણામાં બિલ્‍ડર ગ્રુપ અને ઉદ્યોગકારો ઉપર સર્વે અને સર્ચ હાથ ધરવામાં આવ્‍યા હતા ત્‍યારે હવે આજે વહેલી સવારથી રાજકોટના નામાંકિત બિલ્‍ડર્સ ગ્રુપ ઓરબીટ ઉપર આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.રાજકોટમાં છેલ્લા ત્રણ દાયકાથી રીયલ એસ્‍ટેટ ક્ષેત્રે અનેક મોટા અને ગગનચુંબી ઇમારતોનું નિર્માણ કરનાર શ્રી દિલીપભાઇ લાડાણી એસોસીએટ અને ઓરબીટ ગ્રુપ તેમજ તેની સહયોગી પેઢી ઉપર આજ સવારે 30 થી વધુ સ્‍થળો ઉપર ઇન્‍વેસ્‍ટીગેશન વીંગ દ્વારા 150થી વધુ અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરતા રીયલ એસ્‍ટેટ ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામેલ છે.

આવકવેરા વિભાગ રાજકોટ ઇન્‍વેસ્‍ટીગેશન વીંગના ડાયરેકટર મીના અને આસી.ડાયરેકટર આદેશ તિવારીના માર્ગદર્શન હેઠળ રાજકોટ ઇન્‍વેસ્‍ટીગેશન વીંગ ઓફ ઇન્‍કમટેક્ષ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા સહિતના અધિકારીઓ રાજકોટ ખાતે પાડવામાં આવેલા દરોડાની કાર્યવાહીમાં જોડાયા છે. રાજકોટમાં ઓરબીટ ગ્રુપ દ્વારા ગાર્ડન નામથી અનેક પ્રોજેકટો કાર્યરત છે. જેમાં ગેલેકસી ગાર્ડન, ઓરબીટ સ્‍કાય ગાર્ડન, ઓરબીટ ગાર્ડન સહિતના પ્રોજેકટો કાર્યરત છે.એટલું જ નહીં આ ગ્રુપ દ્વારા રાજકોટમાં પ્રથમ 40 માળના બિલ્‍ડીંગનું નિર્માણ કાર્ય માટેનો પ્રોજેકટ પણ લોન્‍ચ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પાટનગર ગાંધીનગરમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે કામ કરતા પી.એસ.વાય.ગૃપ ઉપર એક સાથે 27 જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ કરીને તવાઈ બોલાવી છે.આ દરોડામાં અંદાજે 100 જેટલા અધિકારીઓની ટીમ ગાંધીનગરના વિવિધ વિસ્તારમાં ત્રાટકતા ફડફડાટ ફેલાયો હતો. આ પહેલા અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ સાયપ્રમ અને અવિરત ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત 4 ગ્રુપ પર આઇટી વિભાગની કાર્યવાહી કરવામાં આવી હતી. તેની પહેલા ખેડા અને આણંદ જિલ્લામાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં સુરતના IT વિભાગે નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરતા એશિયન ગ્રુપ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. એશિયન ગ્રુપ સાથે સંકળાયેલા આણંદના નારાયણ ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. નારાયણ ગ્રુપ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. બંને ગ્રુપના કુલ 25 સ્થળો પર આવકવેરા વિભાગે સર્ચ શરુ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. આ સિવાય વલસાડ અને દાદરા નગર હવેલી સેલવાસ ખાતે આવેલી આર.કેબલ નામની કંપની પર વડોદરા, અમદાવાદ તથા સુરત ઇન્કમટેક્સ વિભાગે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. કેબલ ગ્રુપના રમેશ કાબરા તથા અન્ય ડિસ્ટ્રીબ્યુટરના 40 જેટલા સ્થળો પર અસર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top