જ્યાં ત્યાં થુંકતા લોકોના કારણે પડતા ડાઘ સાફ કરવા માટે રેલવેએ ખર્ચ કરવા પડે છે અધધધ… 1200 કરોડ રૂપિયા !

આપણે ત્યાં લોકોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. કેટલાક લોકોને જ્યાં ખુણો જુએ ત્યાં થુંકવાની ટેવ હોય છે. આવા લોકોના કારણે દિવાલો તો બગડે જ છે આ સિવાય પાણી અને માનવશ્રમનો પણ બગાડ થાય છે. રેલવે સ્ટેશન પર જઇએ ત્યારે દિવાલોની સાથે ટ્રેનના બહારના ભાગમાં પણ લાલ રંગના ડાઘ જોવા મળે છે. પાન-તમાકું ખાઇને થુંકતા લોકોના કારણે પડેલા આ ડાઘની સફાઈ માટે રેલવેએ કરોડો રૂપિયા ખર્ચવા પડે છે.

સમગ્ર દેશમાં સ્‍વચ્‍છતા અભિયાન અંગે લોકોને સતત જાગૃત કરવામાં આવે છે. અને વારંવાર સરકાર દ્વારા પણ લોકોને તેમની આસપાસની જગ્‍યા સ્વચ્છ રાખવા માટે પણ અપીલ કરવામાં આવે છે. પરંતુ લાગે છે કે આ બધી અપીલો બહેરા કાને જ અથડાય છે. લોકો રેલવે સ્‍ટેશનમાં અને તેમની આસપાસના વિસ્‍તારોમાં ગંદકી ફેલાવવાનું છોડતા નથી. આવા લોકોના કારણે સરકાર અને રેલવે તંત્ર માટે પણ ઘણી મોટી મુશ્‍કેલીઓ ઊભી થાય છે. સરકારના આટલા પ્રયત્‍નો બાદ પણ આજે પણ જાહેર સ્‍થળોને પાન તમાકુ ગુટખા ખાઈને થુંકવું એ સામાન્‍ય બાબત બની ગઈ છે. રેલવે સ્‍ટેશન અને ટ્રેનોમા ગુટખાના ડાઘાથી છુટકારો મેળવવા માટે રેલવે દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે!

નોંધનીય છે કે ભારતીય રેલવે વિશ્વની ચોથી સૌથી મોટી રેલવે સિસ્‍ટમ છે. ભારતીય રેલવેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. રેલવે દ્વારા મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. ભારતીય રેલવે પણ હવે સ્‍વચ્‍છતા માટે ઘણી સજાગ બની ગઈ છે. સિગરેટ કે દારૂ પીધા પછી તમે રેલવેમાં પ્રવાસ કરી શકતા નથી, પણ તમે ગુટકા કે પાન ખાઈને ટ્રેનમાં પ્રવાસ કરી શકો છો જેને કારણે તમને રેલવેમાં એવા ઘણા મુસાફરો જોવા મળે છે જેઓ મોઢામાં પાન કે ગુટખા ચાવતા ફરતા હોય છે. આવા લોકોએ કરેલા ડાઘને સાફ કરવાની જવાબદારી રેલવે પર આવી પડે છે.

વર્ષ 2021માં ભારતીય રેલવે દ્વારા આ ગુટખાના ડાઘથી છુટકારો મેળવવા માટે આપવામાં આવેલી રકમનો આંકડો જોઈને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. રેલવે સ્‍ટેશનો અને ટ્રેનો પરના ગુટકાના ડાઘ દૂર કરવા માટે રેલવેએ લગભગ 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ ઉપરાંત સરકાર સ્‍વચ્‍છતા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવે છે જેમાં લોકોને જાહેરાત થકી સ્‍વચ્‍છતા રાખવા માટે જણાવવામાં આવે છે. આવી જાહેરાતો પાછળ પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : આજે NO સ્મોકીંગ ડે : ગુજરાતમાં 10માંથી 3 વ્‍યકિતને દરરોજ સ્‍મોકિંગ કરવાની કુટેવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top