કાજલ હિન્દુસ્તાની ફરી એક વખત વિવાદમાં: પાટીદાર સમાજની દીકરીઓ પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન

એક યા બીજા કારણોસર ચર્ચામાં રહેતી કાજલ હિન્દુસ્તાનીના નિવેદન પર ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. કાજલ હિંદુસ્તાનીએ ગુજરાતની પાટીદાર સમાજની દીકરીઓ વિષે નિવેદન આપ્યું છે જેને લઇને પાટીદાર સમાજ રોષે ભરાયો છે. પાટીદાર સમાજના આગેવાનો મનોજ પનારાએ તેની સામે ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે તો એસપીજીના લાલજી પટેલે પણ આ નિવેદન સામે રોષ વ્યકત કર્યો છે.

મોરબી: કાજલ સામે પાટીદાર સમાજની દીકરીઓ વિશે નિવેદન આપવા બદલ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ નિવેદન આપ્યું હતું કે પાટીદાર સમાજની દીકરીઓ વિધર્મી બોયફ્રેન્ડ રાખીને તેની અદલાબદલી કરે છે. આ નિવેદનના પગલે મોરબીના મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પનારાએ આ નિવેદનની કાર્યવાહી હાઈકોર્ટ સુધી લઈ જવાનું કહ્યું છે. કાજલનું મૂળ નામ કાજલ સિંગલા છે. તે અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. પાટીદાર દિકરીઓ પર આપેલ નિવેદનનો મામલો ગરમાતા કાજલે આ સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવી છે.

શું છે સમગ્ર ઘટના?
કાજલ હિંદુસ્તાનીએ મોરબીના કાર્યક્રમમાં ઘટના જણાવી હતી કે છ પટેલ યુવતીઓએ અન્ય ધર્મના યુવકોને બોયફ્રેન્ડ બનાવ્યા હતા અને બોયફ્રેન્ડની અદલાબદલી કરી હતી. આ ઘટના પછી કજાળે જણાવ્યું કે પટેલ સમાજની યુવતીઓ બોયફ્રેન્ડની અદલાબદલી કરતી હોય છે. જેના પગલે મોરબીના પટેલ સમાજના અગ્રણી મનોજ પનારાએ કાજલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મનોજ પનારાએ કહ્યું કે આવા નિવેદનથી પાટીદાર સમાજની યુવતીઓ માટે લગ્નમાં મુશ્કેલી ઉદ્ભવશે.

કાજલને આમંત્રિત ન કરવા માટે કરાઇ અપીલ
પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પનારાએ પાટીદાર સમાજના કાર્યક્રમમાં આવી વ્યક્તિઓને આમંત્રણ ન આપવા અપીલ કરી છે. પનારાએ કહ્યું કે તેમણે કાજલને માફી માંગવાનો સમય આપ્યો હતો પરંતુ કાજલે માફી ન માંગતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ સમગ્ર મામલો હાઇકોર્ટમાં લઈ જવાનું કહ્યું છે. કાજલનું આ નિવેદન ઘણું જૂનું છે. જે તેની યુટ્યુબ ચેનલ પર પણ ઉપલબ્ધ છે. 3 જૂન 2023ના રોજ કાજલે આ નિવેદન આપ્યું હતું. આ વિડિયોને અત્યાર સુધી કુલ 18 લાખ લોકોએ જોયો છે. કાજલ પોતાને સનાતની અને સામાજિક કાર્યકર ગણાવે છે. મહિલા સશક્તિકરણ અને લવ જેહાદ જેવા મામલે પણ તે અવાજ ઉઠાવે છે.

લાલજી પટેલે કર્યો કાજલનો વિરોધ
પાટીદાર આંદોલનના વદ લાલજી પટેલે કાજલના આ નિવેદનનો વિરોધ કર્યો છે. સરદાર પટેલ ગ્રૂપના વડા લાલજી પટેલે કહ્યું કે કાજલ હિન્દુસ્તાની શું બોલી રહી છે તેની જાણ નથી. આગામી દિવસોમાં કાજલનો વિરોધ કરવાનું કહ્યું છે. રાજકોટના પાટીદાર નેતા પરેશ ગજેરાએ પણ કાજલ હિન્દુસ્તાનીના નિવેદનનો વિરોધ કરતાં કહ્યું કે આવી ભાષાનો સ્વીકાર કરી શકાય એમ નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top