શું હવે મંદિરોને મળતા દાન પર ભરવો પડશે ટેક્સ? આ રાજ્યમાં કોંગ્રેસ સરકાર લાવી રહી છે નવો કાયદો

કર્ણાટકની કોંગ્રેસ સરકારે વિધાનસભામાં ‘કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરીટેબલ એમેન્ડમેન્ટ બિલ 2024’ પસાર કર્યું છે. વિધાનસભામાં આ બિલ પાસ થયા બાદ વિપક્ષી પાર્ટી ભાજપે કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારને હિંદુ વિરોધી ગણાવી છે. કર્ણાટક સરકારે પાસ કરેલા આ બિલ હેઠળ, એક કોમન પૂલ ફંડની સ્થાપના કરવાનો પ્રસ્તાવ છે, જે મહેસૂલના આધારે મંદિરોમાંથી મળેલા દાન પર ટેક્સ વસૂલશે. બિલ મુજબ મંદિરોને મળેલા દાન સામે તેણે 5 થી 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરાયેલા બિલ ‘કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એમેન્ડમેન્ટ બિલ 2024’ અનુસાર, સરકાર 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરતા મંદિરો પર 10% ટેક્સ લગાવશે. તે જ સમયે, 10 લાખથી 1 કરોડ રૂપિયાની વચ્ચેની આવક ધરાવતા મંદિરો પર 5% ટેક્સ વસૂલવામાં આવશે.

મંદિરો પાસેથી ટેક્સ લેવાનો ઈરાદો શું છે?

સરકારના પ્રધાન રામલિંગા રેડ્ડીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે ફંડના ઉદ્દેશ્યોમાં મંદિરોને સુવિધાઓ, વીમા કવરેજ, મંદિરના પૂજારીઓ માટે મૃત્યુ રાહત ફંડ અને લગભગ 40,000 પૂજારીઓના પરિવારના બાળકો માટે શિષ્યવૃત્તિનો સમાવેશ થાય છે.

કેટેગરીના આધારે મંદિરો અને પૂજારીઓ

કર્ણાટકમાં લગભગ 35,000 મંદિરો અસ્તિત્વમાં છે, જે તેમની વાર્ષિક આવકના આધારે વિવિધ કેટેગરીઓમાં વહેંચાયેલા છે. તેમાંથી ગ્રુપ Aમાં 205 મંદિરોનો સમાવેશ થાય છે જેમની વાર્ષિક આવક 25 લાખ રૂપિયાથી વધુ છે, જ્યારે ગ્રુપ Bમાં 193 મંદિરોનો સમાવેશ થાય છે જેમની વાર્ષિક આવક રૂપિયા 5 લાખથી 25 લાખની વચ્ચે છે. બાકીના 34,000 મંદિરો, જેમની વાર્ષિક આવક રૂ. 5 લાખથી ઓછી છે, તે ગ્રુપ સીમાં આવે છે.

સરકાર દ્વારા પ્રસ્તાવિત સુધારા હેઠળ, વાર્ષિક રૂ. 1 કરોડથી વધુનું વાર્ષિક દાન મેળવતા મંદિરો માટે કોમન પૂલ ફંડમાં કોઈપણ સંજોગોમાં 10% ટેક્સ ચૂકવવો ફરજિયાત રહેશે. 10 લાખથી 1 કરોડ રૂપિયાની આવક ધરાવતા મંદિરોએ વધારાનો 5% ટેક્સ ચૂકવવો પડશે, જ્યારે 10 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા મંદિરોને તેમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવશે.

ભાજપનો આરોપ, સરકારનું બિલ હિન્દુ વિરોધી

બીજી તરફ, બીજેપીના પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ આ પગલાની ટીકા કરી અને આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર મંદિરોના ખર્ચે પોતાની આવક વધારવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે શા માટે માત્ર મંદિરોને જ નિશાન બનાવવામાં આવે છે અને અન્ય ધાર્મિક સંસ્થાઓને નહીં, મંદિરના જીર્ણોદ્ધાર અને સુવિધાથી લઈને અન્ય હેતુઓ માટે ભક્તોના દાનનો ઉપયોગ કરવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top