‘મલાલાની જેમ મારે…’, કાશ્મીરીની પત્રકાર યાના મીરે બ્રિટિશ સંસદમાં પાકિસ્તાનને બરાબરનો ઉધડો લીધો

કાશ્મીરી પત્રકાર અને એક્ટીવિસ્ટ યાના મીરે બ્રિટિશ સંસદમાં બોલતા પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલી મનઘડત વાતો પર આકરા પ્રહારો કર્યા હતા. પાકિસ્તાન પર નિશાન સાધતા મીરે કહ્યું કે હું મારી માતૃભૂમિ કાશ્મીરમાં સુરક્ષિત છું જે ભારતનું અભિન્ન અંગ છે. મારે ક્યારેય ભાગીને તમારા દેશમાં આશરો લેવાની જરૂર પડશે નહીં.

ભારત વિરૂદ્ધ હંમેશા દુષ્પ્રચાર ફેલાવતા પાકિસ્તાનને ફરી એકવાર સણસણતો જવાબ મળ્યો છે. કાશ્મીર સ્થિત પત્રકાર યાના મીરે ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવા બદલ પાકિસ્તાનની આકરા શબ્દોમાં ટીકા કરી છે. બ્રિટિશ સંસદમાં બોલતા યાના મીરે પાકિસ્તાની એક્ટિવિસ્ટ મલાલા યુસુફઝાઈ સાથે પોતાની સરખામણીને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે હું મલાલા નથી. હું મારા દેશમાં સુરક્ષિત છું. પાકિસ્તાન પર નિશાન સાધતા મીરે કહ્યું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હું ત્યાં આઝાદ અને સુરક્ષિત છું. આ દરમિયાન તેમણે યુવાનોના વિકાસમાં ભારતીય સેનાના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

કાશ્મીરી પત્રકાર અને કાર્યકર્તા યાના મીરને યુકેની સંસદ દ્વારા આયોજિત ‘સંકલ્પ દિવસ’માં સન્માનિત કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં વિવિધતાને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો બદલ મીરને ડાયવર્સિટી એમ્બેસેડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બ્રિટિશ સંસદ સહિત 100 થી વધુ જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો.

મારે મલાલાની જેમ દેશ છોડવાની જરૂર નથીઃ યાના મીર

બ્રિટિશ સંસદમાં બોલતા મીરે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે મલાલા યુસુફઝાઈ નથી જેણે આતંકવાદના જોખમને કારણે પોતાનો દેશ છોડવો પડ્યો હતો. તેણે કહ્યું, “હું મલાલા યુસુફઝાઈ નથી, કારણ કે હું મારા દેશ ભારતમાં આઝાદ અને સુરક્ષિત છું.” હું મારી માતૃભૂમિ કાશ્મીરમાં સુરક્ષિત છું જે ભારતનું અભિન્ન અંગ છે. મારે ક્યારેય ભાગીને તમારા દેશમાં આશરો લેવાની જરૂર પડશે નહીં. હું ક્યારેય મલાલા યુસુફઝાઈ નહીં બની શકું. મારા દેશ અને મારી માતૃભૂમિ કાશ્મીરને બદનામ કરવાના મલાલાના કાવતરા સામે મને વાંધો છે. મને સોશિયલ મીડિયા અને ઈન્ટરનેશનલ મીડિયાના આવા તમામ ટૂલકીટ સભ્યો સામે વાંધો છે, જેમણે ક્યારેય કાશ્મીરની મુલાકાત લેવાની તસ્દી લીધી નથી, પરંતુ જુલમની વાર્તાઓ ઘડતા રહે છે.”

મીરે વધુમાં કહ્યું, હું તમને વિનંતી કરું છું કે ધર્મના આધારે ભારતીયોને વિભાજિત કરવાનું બંધ કરો. અમે તમને ક્યારેય આવું કરવા દઈશું નહીં. સિલેક્ટીવ પ્રોપેગેંડા ફેલાવવાનું બંધ કરો. મને આશા છે કે આપણા દેશના ગુનેગારો જેઓ પાકિસ્તાન અને બ્રિટનમાં રહે છે તેઓ આંતરરાષ્ટ્રીય મીડિયા અથવા આંતરરાષ્ટ્રીય માનવાધિકાર મંચ પર ભારતને બદનામ કરવાનું બંધ કરશે. આંતરરાષ્ટ્રીય મીડિયા પર નિશાન સાધતા યાના મીરે કહ્યું, “બ્રિટનના લિવિંગ રૂમમાંથી રિપોર્ટિંગ કરીને ભારતના ભાગલા પાડવાની કોશિશ બંધ કરો. આતંકવાદને કારણે કાશ્મીરની હજારો માતાઓ પોતાના બાળકો ગુમાવી ચૂકી છે. અમારો પીછો કરવાનું બંધ કરો. કાશ્મીરી લોકોને શાંતિથી જીવવા દો.”

આ સમાચાર પણ વાંચો : હાઈકોર્ટે CBIને ફટકાર લગાવી, ચંદા કોચર અને તેમના પતિની ધરપકડ ખોટી હતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top