સંદેશખાલીના પીડિતોને મળવા PM મોદી જશે બંગાળ, બેકફૂટ પર CM મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના કથિત ઉત્પીડનનો મામલો સતત જોર પકડી રહ્યો છે. ભાજપ સહિત રાજ્યની વિપક્ષી પાર્ટીઓ આ મામલાને લઇને મમતા સરકાર પર પ્રહારો કરી રહી છે ત્યારે હવે 6 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે, જ્યાં તેઓ સંદેશખાલીના પીડિતોને મળશે. નોંધનીય છે કે સંદેશખાલીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શાહજહાં શેખ અને તેમના સમર્થકો પર જમીન હડપ કરવાનો અને મહિલાઓની જાતીય સતામણીને લઇને આરોપો લગાવ્યા છે.

બીજી તરફ જ્યારથી સંદેશખાલીનો મામલો સામે આવ્યો છે ત્યારથી ભાજપ, કોંગ્રેસ અને ડાબેરીઓના અનેક નેતાઓ ઘટનાસ્થળે જવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, બંગાળના વહીવટી તંત્ર દ્વારા શરૂઆતમાં આ નેતાઓને સંદેશખાલી જવાની મંજૂરી આપવામાં આવી ન હતી, ત્યારબાદ હાઈકોર્ટની પરવાનગી લીધા પછી, વિધાનસભામાં વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારી સહિત ભાજપના કેટલાક ધારાસભ્યો સંદેશખાલી પહોંચ્યા અને સ્થાનિક લોકોને મળ્યા હતા.

ભાજપના પશ્ચિમ બંગાળના પ્રમુખ સુકાંત મજુમદારે કહ્યું છે કે વડાપ્રધાન મોદી 6 માર્ચે રાજ્યના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બારાસાતમાં મહિલા રેલીને પણ સંબોધિત કરી શકે છે. “અમને આજે જાણવા મળ્યું કે વડાપ્રધાન 6 માર્ચે રાજ્યની મુલાકાત લેશે અને બારાસતમાં મહિલા રેલીને સંબોધિત કરશે,” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું વડાપ્રધાન ઉત્તર 24 પરગણા જિલ્લામાં સંદેશખાલીની મહિલાઓને મળશે. મજુમદારે કહ્યું, “જો સંદેશખાલીની બહેનો અને માતાઓ વડા પ્રધાન મોદીને મળવા માંગે છે, અમે ચોક્કસપણે તેની વ્યવસ્થા કરીશું.”

સંદેશખાલીમાં પોલીસ દરેકની ફરિયાદ સાંભળશેઃ પોલીસ મહાનિર્દેશક

બીજી તરફ પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક રાજીવ કુમારનું કહેવું છે કે પોલીસ સંદેશખાલીના દરેક વ્યક્તિની ફરિયાદ સાંભળશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.રાજીવ કુમાર બુધવારે સંદેશખાલી ગયા હતા અને પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના અશાંત વિસ્તારોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ત્યાં રાતોરાત રોકાયા હતા અને ત્યાં મહિલાઓ પર અત્યાચારના દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. કુમારે ધમાખલીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે દરેક વ્યક્તિની ફરિયાદ સાંભળીશું, જો કોઈ ઘટના હશે તો અમે દોષિતો સામે કડક પગલાં લઈશું અને જો લોકો અત્યાચારમાં સંડોવાયેલા જણાશે, તો અમે તેમની સામે યોગ્ય પગલાં લઈશું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top