અમદાવાદના નિકોલમાંથી નકલી ENO બનાવતી ફેકટરી ઝડપાઇ, LCB ઝોન-5ની પ્રશંસનીય કામગીરી

હાલના સમયમાં ભેળસેળના મામલે કોઈ જ ખાદ્ય પદાર્થ બાકી રહ્યો નથી. અવારનવાર મીઠાઇ,હળદર, પનીર, ઘી, તેલ વગેરેમાં ભેળસેળની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. તેવામાં ચોંકાવનારી બાબત એ છે કે હવે દવાઓ પણ ડુપ્લિકેટ બની રહી છે. છેલ્લા થોડા સમયમાં કેટલીક એવી ફેકટરીઓ ઝડપી પાડવામાં આવી છે જેમાં નકલી દવાઓનો કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે દવા રૂપે વેચાતું આ ઝેર બંધ કરવા માટે ફૂડ અને ડ્રગ્સ વિભાગ અને પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ડુપ્લિકેટ ENO બનાવતી ફેક્ટરી ઝડપી પડાઈ હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લિકેટ ENO બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. અને 6 લાખ 87 હજારનો મુદ્દામાલ જપ્ત કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ફેક્ટરીના માલીકો સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ડુપ્લીકેટ ENOથી શરીરને નુકશાન થાય છે

ENO બનાવવામાં સોડિયમ કાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા, સોડિયમ બાય કાર્બોનેટ અને અમુક એસીડીક તત્વોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેથી પેટમાં થતાં ગેસ-એસિડિટીથી રાહત મેળવી શકાય. પરંતુ જો ડુપ્લિકેટ ENOનું સેવન કરવામાં આવે તો તેની હાનિકારક અસરો આપણા સ્વાસ્થ્ય પર થતી હોય છે. ડુપ્લિકેટ ENO પીવાથી પેટમાં બળતરા, ઊબકા આવવા, વોમીટ થવી, પાચન તંત્રને નુકશાન, જઠરની એલર્જી સહિતની ઘણી આડ અસરો ઊભી થતી હોય છે.

દવા અસલી છે કે નકલી કેવી રીતે ખબર પડે?

નકલી દવાઓની ખરીદીના શિકાર થવાથી બચવા માટે જે-તે દવાના પેકિંગ પરનો લોગો, રંગ અને જોડણી ધ્યાનથી જોવી જોઈએ. જો દવાના ભાવમાં અચાનક ઘટાડો થાય અથવા ઓછા ભાવમાં દવા વેચવામાં આવે તો પણ તે દવા નકલી હોવાની શક્યતાઓ વધી જતી હોય છે. એસએમએસ દ્વારા ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ(DTAB)ના નંબર પર દવાની બોટલ અથવા પેકેજની પાછળના કોડ દ્વારા પણ દવાની પ્રમાણિકતા ચકાસી શકાય છે. આ ઉપરાંત હમેશા વિશ્વાસુ સ્ત્રોતો પાસેથી જ દવાઓ ખરીદવી જોઇએ જેથી નકલી દવાની ખરીદીના શિકાર થવાથી બચી શકાય.

આ પહેલા પણ ડુપ્લીકેટ ENO બનાવતી ફેક્ટરીઓ પકડાઈ હતી.

આ પહેલા પણ માતર GIDCમાંથી નકલી ઈનો બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. પોલીસે ઘટના સ્થળેથી 2.22 લાખના ઇનોના નકલી 22,200 પાઉચ જપ્ત કર્યા હતા. આ મામલે માતર પોલીસ સ્ટેશનમાં 3 લોકો સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ભંગની ફરિયાદ નોંધાઈ હતી.

ચાંગોદરમાંથી પકડાઇ હતી નકલી એન્ટિબાયોટિક દવાઓ

અમદાવાદના ચાંગોદરમાંથી મેં.ફાર્માકેમ હાઉસમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા કરીને 1.75 કરોડની કિંમતનો બનાવટી એન્‍ટિબાયોટીક દવાઓનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ સાથે કાચો માલ, મશીન, બનાવટી દવાઓ, પેકિંગ મટીરીયલ અને અન્ય સાધન સામગ્રી જપ્ત પણ કરવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top