ભારત સહિત સમગ્ર વિશ્વમાં પારસીઓની વસ્તી કેમ ઘટી રહી છે, વસતી વધારવા સરકારે અમલમાં મુક્યો આ ખાસ પ્લાન

દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ થઈ ગયો છે. જે અંતર્ગત ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ – હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસીઓ ભારતીય નાગરિકતા મેળવી શકશે. સરકારની દલીલ છે કે પાડોશી દેશોમાં સ્થાયી થયેલા આ સમુદાયોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત તેમને આશરો આપશે. પારસી સમુદાય પણ તેમાંનો એક છે. પારસી ધર્મના લોકો ભાગ્યે જ સમાચારમાં રહે છે અથવા ક્યાંય વિવાદમાં આવે છે. છતાં ચિંતાની વાત એ છે કે ખૂબ જ ઓછી વસ્તી ધરાવતા ધર્મના લોકોની સંખ્યા સતત ઘટી રહી છે.

દેશમાં કેટલા પારસી છે

2001ની વસ્તી ગણતરીમાં પારસીઓની વસ્તી 69,601 હતી, જ્યારે વર્ષ 2011માં તે ઘટીને 57,264 થઈ ગઈ. હવે સ્થિતિ એવી છે કે લઘુમતી બાબતોના મંત્રાલયે પારસીઓ માટે ખાસ ‘જિયો પારસી’ યોજના શરૂ કરી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય સમુદાયની ઘટતી વસ્તીને બચાવવા અને મદદ કરવાનો છે. હવે સમગ્ર દુનિયામાં ફક્ત બે લાખ પારસીઓ બચ્યા છે. સંખ્યા કદાચ તેનાથી ઓછી પણ હોઇ શકે છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુનું માનવું છે કે પારસીઓની સંખ્યા 1.25 લાખથી વધુ નથી. પારસી સમુદાય ભારત ઉપરાંત ઈરાન, અમેરિકા, ઈરાક, ઉઝબેકિસ્તાન અને કેનેડામાં પણ વસેલો છે. પાકિસ્તાનમાં પણ એક હજારની આસપાસ પારસી હોવાનું માનવામાં આવે છે.

પારસીઓ કોણ છે, તેઓ ક્યાંથી આવ્યા?

પારસી ધર્મ એ વિશ્વના સૌથી જૂના ધર્મોમાંનો એક છે. તેની સ્થાપના 3500 વર્ષ પહેલાં પ્રાચીન ઈરાનમાં જરથુસ્ત્ર દ્વારા કરવામાં આવી હતી. પારસી ધર્મ લાંબા સમય સુધી એક શક્તિશાળી ધર્મ તરીકે રહ્યો. એટલે સુધી કે તે ઈરાનનો રાષ્ટ્રધર્મ પણ રહ્યો હતો, જ્યાં આજે મુસ્લિમ બહુમતી છે. પારસી ધર્મમાં માનનાર લોકોને પારસી અથવા જોરાબિયન કહેવામાં આવે છે.

ઈરાનમાંથી આ ધર્મ કેમ ગાયબ થયો?

આ લોકો છઠ્ઠી સદી સુધી ત્યાં શાંતીપૂર્વક જીવન વ્યતીત કરતા હતા. ત્યાર પછી ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ થઈ, જેમાં લોકો પર ધર્મ બદલાવવા માટે દબાણ થવા લાગ્યું. જેઓ ધર્મ પરિવર્તન માટે સંમત ન હતા તેઓની હત્યા કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, પારસી સમુદાયના લોકોએ સમગ્ર વિશ્વમાં સ્થળાંતર કરવાનું શરૂ કર્યું. એ સમયે જ મોટી સંખ્યામાં પારસીઓ પૂર્વ ભારત તરફ આવવા લાગ્યા અને ગુજરાતમાં વલસાડ થઈને મુંબઈ પહોંચ્યા હતા. હાલના દિવસોમાં મોટાભાગના પારસીઓ મુંબઈમાં રહે છે.

એવું માનવામાં આવે છે કે મુંબઈની સ્થાપના વાસ્તવમાં પારસીઓની મહેનતથી થઈ હતી. મુંબઇમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં પારસી વસાહતો છે અને જ્યાં પારસી ખોરાકની ઝલક જોવા મળે છે. પારસીઓ ભણેલા ગણેલા અને મળતાવળા સ્વભાવના હોવાના કારણે વેપાર-ધંધામાં પણ ઝડપથી પ્રગતિ કરે છે. મુંબઈમાં મોટા બિઝનેસ એક યા બીજા પારસી પરિવારના છે.

પારસીઓની વસ્તી કેમ ઘટી રહી છે?

હવે મુખ્ય વાતની ચર્ચા કરીએ તો જે સમુદાય પોતાના દેશથી ભાગીને પણ ભારતમાં અત્યાર સુધી પ્રગતિ કરી શક્યો છે તે વસ્તીની દ્રષ્ટિએ પાછળ કેમ છે? તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. આ જાણવા માટે આપણે તેમની લગ્ન વિધિને સમજવી પડશે. અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે હાલમાં લગ્ન યોગ્ય ઉંમરના 30% પારસીઓ અપરિણીત છે. પરિણીત લોકોમાં પણ સંતાનોને મોડો જન્મ આપવાનું કે ન થવાનું વલણ જોવા મળે છે. આ સમુદાયનો પ્રજનન દર 0.8 ટકા છે. આનો અર્થ એ થયો કે દર વર્ષે 300 પારસી બાળકો જન્મે છે તેની સામે 800 લોકો મૃત્યુ પામે છે.

એક કારણ છે પારસીઓની સામાજિક રચના

જો કોઈ પારસી છોકરી તેના ધર્મની બહાર લગ્ન કરે તો તેને પારસી ગણવામાં આવતી નથી. ઘણી વખત છોકરી વધુ ભણેલી કે સફળ હોય છે, પરંતુ તેણીને તેના સમુદાયમાં તેની પસંદગીનો છોકરો નથી મળતો. આવી સ્થિતિમાં તે અન્ય ધર્મમાં લગ્ન કરશે કે પછી બહિષ્કારના ડરથી અપરિણીત રહેશે. પારસીઓમાં આ એકદમ સામાન્ય બાબત છે. આવું જ કંઇક પુરુષો સાથે છે. જો કે, તેમના ધર્મમાંથી બહાર કરવામાં આવતા નથી પરંતુ તેમના પર એક પ્રકારનું દબાણ હોય છે કે તેપોતાના ધર્મની કન્યા સાથે જ લગ્ન કરે. બિનપારસી સાથે લગ્ન કરનાર છોકરીને માત્ર ધર્મ જ નહીં પરંતુ અન્ય પ્રકારના પ્રતિબંધ પણ લગાવવામાં આવે છે. સૌથી મોટો પ્રતિબંધ એ છે કે છોકરી તેના પિતાના મૃત્યુ પછી રાખવામાં આવેલી પ્રાર્થનામાં ભાગ પણ લઈ શકતી નથી.

ધર્માંતરણની મંજૂરી નથી

આમ તો દરેક ધર્મમાં ધર્મ પરિવર્તન માટે અલગ-અલગ નિયમો હોય છે, પરંતુ પારસીઓમાં તે એટલા કડક છે કે અન્ય કોઈ ધર્મનો વ્યક્તિ ઈચ્છે તો પણ પારસી બની શકતો નથી. પારસી બનવા માટે ધાર્મિક શુદ્ધતાને પ્રથમ સ્થાન આપવામાં આવે છે, તેથી જ અન્ય કોઈને આ ધર્મ અપનાવવાની મંજૂરી આપવામાં આવતી નથી. જ્યારે અન્ય ધર્મોના લોકોની સંખ્યા એ માટે પણ વધી રહી છે કે તેમાં અન્ય ધર્મના લોકોને કેટલીક બાબતોનું પાલન કરવાની શરતે સામેલ થવાની છૂટ હોય છે.

વસ્તી બચાવવા માટે કેન્દ્ર દ્વારા પહેલ

ભારત સરકાર પણ પારસીઓની વસ્તી ઘટતી રોકવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. જેમ કે જીઓ પારસી સ્કીમ થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવી હતી. જેમાં મંત્રાલય દ્વારા જ ઓનલાઈન ડેટિંગ અને મેરેજ કાઉન્સેલિંગની પહેલ કરવામાં આવી હતી. આ યોજના પણ એક દાયકા પહેલા દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેનાથી વધુ ફાયદો થયો ન હતો. હવે તેમાં પણ ઘણી નવી વસ્તુઓનો ઉમેરો થયો છે.

પારસી છોકરાઓ અને છોકરીઓને લગ્ન, પરિવાર અને ફર્ટિલિટી અંગે કાઉન્સેલિંગ મળે છે. બાળકોના જન્મને પ્રોત્સાહન આપવા માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન માટે આર્થિક સહાયતા આપવામાં આવે છે. જે પારસી પરિવારો આવક 10 લાખ રૂપિયાથી ઓછી છે અને જેમના પરિવારમાં વૃદ્ધ લોકો પણ છે તેમને પણ મદદ આપવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Munmun Dutta Engagement: ટપ્પુ સાથે સગાઈના સમાચારને નકારી કાઢ્યા બાદ ‘બબીતાજી’એ શેર કરી પોસ્ટ, લખ્યું -‘હું મારી બેસ્ટ જિંદગી જીવી રહી છું’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top