anandibai gopalrao joshi

કોણ હતાં પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર, જેમને રાણી વિકટોરિયાએ અભિનંદન પાઠવેલા?

અમદાવાદ: 31 માર્ચ 1865ના રોજ મરાઠી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં યમુના જોશી માત્ર 9 વર્ષની ઉંમરે સામાજિક પ્રથાઓના પગલે ગોપાલરાઓ જોશી સાથે લગ્નના બંધનમાં બંધાયા. લગ્ન પછી આનંદીબાઈ તરીકે ઓળખાતા ભારતના પહેલા મહિલા ડૉક્ટર કે જેમની સફળતામાં તેમના પતિનો હાથ હતો. આનંદીબાઈના પતિ તેમના ઉચ્ચ અભ્યાસ પાછળ એટલા મક્કમ હતા કે ભણવાનું છોડીને રસોઈમાં સમય બગાડવાના કારણે આનંદીબાઈ પર ગુસ્સે થતાં.

માત્ર 14 વર્ષની ઉંમરે 10 દિવસમાં આરોગ્ય સુવિધાઓની અછતના લીધે તેમનું બાળક મૃત્યુ પામ્યું. અને આ ઘટના આનંદીબાઈને ડોક્ટરના અભ્યાસ માટે પ્રેરી ગઈ. ગોપાલરાઓએ આનંદીબાઈના આ નિર્ણયમાં પ્રોત્સાહન આપ્યું અને કલકત્તામાં તેમનો અભ્યાસ શરૂ કરાવ્યો.

1880માં ગોપાલરાઓના પત્રથી અમેરિકન રોયલ વાઈલ્ડરે આનંદીબાઈની ધગશ અને ચિકિત્સકનો અભ્યાસ કરવાની ઈચ્છા જોઈને અમેરિકામાં અભ્યાસાર્થે સ્થાયી થવાની સગવડ કરી.

1883માં આનંદીબાઈની તબિયત લથડી હોવા છતાં તેમના પતિએ તેમને મહિલાઓના ઉચ્ચ શિક્ષણનું ઉદાહરણ પૂરું પાડવાના હેતુથી પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા. રૂઢિગત કુપ્રથાઓ અને માન્યતાઓના લીધે આનંદીબાઈના ઉચ્ચ શિક્ષણનો વિરોધ પણ થયો. તેમ છતાં પોતાની ધગશ અને પતિ ગોપાલરાઓના સહયોગથી આનંદીબાઈએ માત્ર 19 વર્ષની ઉંમરે મેડિકલ પ્રેક્ટિસ શરૂ કરી હતી. માર્ચ 1886માં MDનો અભ્યાસ પૂર્ણ કરી પશ્ચિમી દવાનો અભ્યાસ કરનાર ભારતના પ્રથમ મહિલા ડૉક્ટર બનવાનું બિરુદ પ્રાપ્ત કર્યું. રાણી વિકટોરિયાએ આનંદીબાઈને ડૉક્ટર બનવા માટે અભિનંદ પાઠવ્યા હતા.

ક્ષય રોગના લીધે માત્ર 21 વર્ષની ઉંમરે 26 ફેબ્રુઆરી 1887ના રોજ આનંદીબાઈનું નિધન થયું હતું. મેડિકલ ક્ષેત્રે મિસાલ ઊભી કરનાર આનંદીબાઈના સન્માનમાં ઘણા પુસ્તકો પણ લખાયા છે. મહારાષ્ટ્ર સરકારે મહિલાઓના સ્વાસ્થ્ય પર કામ કરતી યુવતીઓ માટે તેમના નામે ફેલોશિપ આપવાની શરૂઆત કરી. ઉપરાંત શુક્ર ગ્રહ પર 34.3 કિમી-વ્યાસ ધરાવતા ખાડાને આનંદીબાઈ જોશીના નામ પરથી જ “જોશી” નામ આપવામાં આવ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top