બાંગ્લાદેશમાં છ માળની ઈમારતમાં ભીષણ આગ, 43 લોકોના મોત, સંખ્યાબંધ લોકો ઘાયલ

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે મોડી રાત્રે એક છ માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં લગભગ 43 લોકોના મોત થયા હતા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા, બાંગ્લાદેશના આરોગ્ય મંત્રી સામંત લાલ સેને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ અને નજીકની બર્ન્સ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “અત્યાર સુધી આગને કારણે 43 લોકોના મોત થયા છે.” તેમણે કહ્યું કે શહેરની મુખ્ય બર્ન હોસ્પિટલમાં હાલ લગભગ 40 ઘાયલ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

બિરીયાની રેસ્ટોરન્ટમાં લાગેલી આગ આખી બિલ્ડીંગમાં ફેલાઈ ગઈ

ફાયર વિભાગના અધિકારી મોહમ્મદ શિહાબે જણાવ્યું હતું કે ઢાકાના બેઈલી રોડ પર એક પ્રખ્યાત બિરયાની રેસ્ટોરન્ટમાં ગુરુવારે રાત્રે 9:50 વાગ્યે આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગ ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ અને ત્યાં ઘણા લોકો ફસાઈ ગયા હતા. વધુમાં તેમણે કહ્યું હતુ કે ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ રેસ્ટોરન્ટમાંથી 75 લોકોને જીવતા બહાર કાઢ્યા છે.

ઢાકાના બેઈલી રોડ પરની ઈમારતમાં મુખ્યત્વે રેસ્ટોરાંની સાથે કપડાં અને મોબાઈલ ફોનની ઘણી દુકાનો છે. રેસ્ટોરન્ટના મેનેજર સોહેલે કહ્યું, “જ્યારે અમે પહેલીવાર સીડી પરથી ધુમાડો નીકળતો જોયો ત્યારે અમે છઠ્ઠા માળે હતા. ઘણા લોકો ઉપરના માળે દોડવા લાગ્યા. અમે બિલ્ડીંગમાંથી નીચે ઉતરવા માટે પાણીની પાઈપનો ઉપયોગ કર્યો હતો.

વર્ષ 2021માં આગને કારણે 52 લોકોના મોત થયા હતા

નોંધનીય છે કે બાંગ્લાદેશમાં સુરક્ષા નિયમોનું યોગ્ય પાલન થતું ન હોવાના કારણે એપાર્ટમેન્ટ બિલ્ડિંગ અને ફેક્ટરી કોમ્પ્લેક્સમાં આગ લાગવી સામાન્ય બાબત છે. જુલાઈ 2021માં, ફૂડ પ્રોસેસિંગ ફેક્ટરીમાં લાગેલી આગમાં ઘણા બાળકો સહિત લગભગ 52 લોકો મૃત્યુ પામ્યા હતા. ફેબ્રુઆરી 2019માં, ઢાકાના કેટલાક એપાર્ટમેન્ટ બ્લોક્સમાં લાગેલી આગમાં 70 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : નોકરીના બહાને 20 ભારતીયોને યુદ્ધ માટે રશિયા મોકલવામાં આવ્યા હતા, તેમને બહાર કાઢવા માટે ભારત સરકાર પ્રયત્નશીલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top