મોરબી બ્રીજ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા, 400 દિવસ પછી જેલમાંથી બહાર આવશે ઓરેવાના MD

મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝુલતા પુલની દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ માટે હોળી પહેલા રાહતના સમાચાર સામે આવ્યા છે. 400 દિવસથી જેલમાં બંધ જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે. જયસુખ પટેલ ઓરેવા કંપનીના એમડી છે અને તેમની કંપની મોરબીના ઝુલતા પુલની દેખરેખ અને રાખરખાવ રાખી રહી હતી.મોરબી દુર્ઘટનાના પગલે તેની ધરપકડ થયા બાદ અંદાજે 400 દિવસ કરતા વધુ સમયથી તે જેલમાં હતા. જયસુખ પટેલે જુદી જુદી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં તેમને રાહત મળી નહોંતી. છેલ્લે તેમણે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીને પણ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમણે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

કેટલીક શરતો પર આપ્યા જામીન

સુપ્રીમ કોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમે જયસુખ પટેલના શરતી જામીન મંજુર કર્યા છે. આ દૂર્ઘટના બાદ 3 મહિના સુધી જયસુખ પટેલ ફરાર હતા જેને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ સહિતની ચીજવસ્તુઓ જમા કરાવવાનો આદેશ કર્યો છે.

પીડિત પક્ષની સુરક્ષા સુનિશ્ચિત કરાઇ

બીજી તરફ પીડિત પક્ષને પણ અનેક વાર ધમકીઓ મળી છે, તે બાબતને પણ કોર્ટે ધ્યાન પર લીધી છે. આ બાબતને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને ટકોર કરવાની સાથે પીડિત પક્ષની સુરક્ષા સુનિશ્ચિત કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

1 ફેબ્રુઆરીએ કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું હતું

મોરબીના મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી ગયો અને તેમાં 135 લોકોનાં મોત થયાં. આ પુલ દુર્ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ કરી અને કુલ નવ લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓમાં ઓરેવા કંપનીના બે મૅનેજરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી જયસુખ પટેલ હોવાનું સામે આવ્યુ હતુ. જયસુખ પટેલ ઘટના બાદ નાસતો ફરતો હતો અને અંતે તેણે 1 ફેબ્રુઆરીએ કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું હતું.

ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ ઓરેવા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો અને 135 લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું. મોરબી પોલીસે આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.

શું હતી મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના?

મોરબીમાં વર્ષ 2022માં દિવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા 135 લોકો પુલ તૂટી પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. મચ્છુ નદીમાં પડેલા લોકોને શોધવા માટે 30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન 4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : અમદાવાદમાં પણ કડક કાયદો લાગુ: 30થી વધુ નિયમો ભંગ કરવા બદલ ફટકારવામાં આવશે ઈ મેમો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top