Republic Day 2024: સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ બન્યા મુખ્ય અતિથિ

સમગ્ર દેશ આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. ત્યાર બાદ કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. અત્યાર સુધી પરેડ હંમેશા મિલિટરી બેન્ડ સાથે શરૂ થતી હતી પરંતુ આ વખતે દેશભરમાંથી 100 મહિલા સાંસ્કૃતિક કલાકારો પરંપરાગત વાદ્યો સાથે પરેડની શરૂઆત કરી હતી.

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા જયપુરથી નવી દિલ્હી પહોંચ્યા હતાં. એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે મેક્રોન બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે.

ઉત્તર પ્રદેશની ઝાંખી કર્તવ્ય પથ પર રજૂ કરાઈ હતી. આ ટેબ્લોની થીમ અયોધ્યાઃ વિકસિત ભારત, સમૃદ્ધ વારસો હતી. યુપીની ઝાંખી સાથે અયોધ્યાના રામ મંદિર અને રામલલાના ગીતો વગાડવામાં આવ્યા હતા. ટેબ્લોના આગળના ભાગમાં રામલલાની પ્રતિમા બતાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની ઝાંખીની પાછળ તેલંગણાની ઝાંખી આવી રહી છે, જેની થીમ – પાયાના સ્તરે લોકશાહી – તેલંગાણાના સ્વાતંત્ર્ય સેનાનીઓનો વારસો.

75માં પ્રજાસત્તાક પર્વ નિમિતે 26 જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાતના પ્રવાસન અને સંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો ‘ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ”નું નવી દિલ્હીના ‘કર્તવ્ય પથ’ ખાતે આયોજિત રાષ્ટ્રીય પરેડમાં ભવ્ય પ્રદર્શન થઇ ગયું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરડોનો UNWTO: United Nations World Tourism Organizationના Best Tourism Village યાદીમાં તાજેતરમાં જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરહદી ગામ તેની ખમીરાઈ અને ‘વિકસિત ભારત’ની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉતેજન આપે છે. આજે રજુ થયેલો ગુજરાતનો આ સુંદર કલાકૃતિઓથી રંગીન ટેબ્લો ‘કર્તવ્ય પથ’ પર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top