બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ હાજીર હો…! સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાત મામલે સમન્સ પાઠવ્યા

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ જારી કરી છે અને બે અઠવાડિયા પછી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ પતંજલિ આયુર્વેદની કથિત ભ્રામક જાહેરાતને લઈને આપ્યો છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે આ પહેલા યોગગુરુ રામદેવને પણ નોટિસ પાઠવી હતી અને તેમને કોર્ટમાં બોલાવ્યા હતા. કોર્ટે પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણ અને યોગગુરુ રામદેવ પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો. આ સિવાય સુપ્રીમ કોર્ટે આવી ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. હકિકતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે પતંજલિ આયુર્વેદની જાહેરાતો ખોટા દાવા કરી રહી છે જે લોકોને ગેરમાર્ગે દોરનારી છે.

પતંજલિ આયુર્વેદે કોર્ટને આવી જાહેરોતા પ્રકાશીત કરવામાં નહીં આવે તેવી બાંહેધરી આપી હોવા છતાં તેને છાપવામાં આવી હતી. જેને લઇને જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચે નારાજગી વ્યક્ત કરી અને રામદેવ અને એમડી આચાર્ય બાલકૃષ્ણ પાસેથી જવાબ માંગ્યો હતો. પરંતુ જ્યારે તેમના તરફથી કોઈ જવાબ ન મળ્યો, ત્યારે કોર્ટે તેને હાજર થવાનો આદેશ આપ્યો અને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ પણ જારી કરી હતી. નોંધનીય છે કે પતંજલિની જાહેરાતોમાં બાબા રામદેવનો ફોટો પણ હતો જેથી કોર્ટે તેમને પણ પક્ષકાર બનાવ્યા અને પૂછ્યું કે તેમની સામે પણ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શા માટે ન કરવી જોઈએ?

કોર્ટે કહ્યું, અમે પતંજલિની જાહેરાતો જોઈ છે. કોર્ટમાં આપવામાં આવેલી બાંહેધરીને ધ્યાનમાં રાખીને આચાર્ય બાલકૃષ્ણ અને રામદેવે જણાવવું જોઈએ કે શા માટે તેમની સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ. તેણે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954નું પણ ઉલ્લંઘન કર્યું છે. આ કાયદાની કલમ 3 બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સંધિવા, અસ્થમા વગેરે જેવા રોગોને નાબૂદ કરવા માટેના પ્રચાર પર પ્રતિબંધ મૂકે છે. પતંજલિ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે બાબા રામદેવને પતંજલિ સાથે કોઈ લેવાદેવા નથી. કોર્ટે તેમની વાત સાંભળવી જોઈએ. તેના જવાબમાં બેન્ચે કહ્યું કે, અમારા આદેશ બાદ પણ બાબા રામદેવે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમને માત્ર કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે આથી તેમને તેમનો જવાબ આપવા દો.

સુપ્રીમે કેન્દ્ર સરકારની પણ ઝાટકણી કાઢી

આ મામલે કોર્ટે કેન્દ્રની પણ ઝાટકણી કાઢી અને કહ્યું કે તેનો જવાબ રેકોર્ડ પર નથી. કોર્ટે કેન્દ્રને તેનો જવાબ રેકોર્ડ પર રેકોર્ડ કરવાનો પણ આદેશ આપ્યો છે છતાં કોર્ટને કેન્દ્રના જવાબની નકલ મળી શકી નથી. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્રનો જવાબ સંતોષકારક નહીં હોય તો જરૂરી આદેશો આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : કાજલ હિન્દુસ્તાની ફરી એક વખત વિવાદમાં: પાટીદાર સમાજની દીકરીઓ પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top