નવજોત સિંહ સિદ્ધુનું ક્રિકેટમાં કમબેક: IPL 2024માં કોમેન્ટરી કરતા જોવા મળશે; જાણો શું છે કમબેક કરવાનું કારણ

કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર ક્રિકેટમાં કમબેક કરી રહ્યા છે. તેઓ IPL 2024માં કોમેન્ટરી કરતા જોવા મળશે. IPLની શરૂઆત 22 માર્ચે થનારી પ્રથમ મેચથી થશે. સ્ટાર સ્પોર્ટ્સે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને જાણકારી આપી. સ્ટાર સ્પોર્ટ્સે કહ્યું “સરદાર ઑફ કોમેન્ટરી બોક્સ ઈઝ બેક”. સિદ્ધુએ પણ આ પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.

સિદ્ધુ શુક્રવારે પંજાબના રાજ્યપાલ બીએલ પુરોહિતને મળવા ચંદીગઢ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ આ વખતે લોકસભા ચૂંટણી નહીં લડે. સિદ્ધુએ ક્રિકેટ કોમેન્ટરી છોડવાને કારણે આર્થિક નુકસાન થવાની વાત કરી. તેમણે કહ્યું હતું કે મુશ્કેલ સમયમાં ક્રિકેટ કમેન્ટ્રી કામ આવે છે.

2018માં છેલ્લી કોમેન્ટરી કરી હતી
નવજોત સિંહ સિદ્ધુના પિતા સરદાર ભગવંત સિંહ ક્રિકેટર હતા. તેઓ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર પણ તેમના જેવો ખેલાડી બને. પિતાની ઇચ્છા પૂરી કરવા માટે સિદ્ધુ ક્રિકેટમાં આવ્યા હતા. 1983થી 1999 સુધી ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યા હતા. તેમણે પ્રથમ ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડીઝ સામે રમી હતી. સિદ્ધુએ કુલ 51 ટેસ્ટ મેચ અને 136 વન-ડે મેચ રમી છે. ટેસ્ટમાં 3,202 રન અને વન-ડેમાં 4,413 રન બનાવ્યા. લગભગ 17 વર્ષ સુધી ક્રિકેટજગતમાં રહ્યા બાદ તેમણે 1999માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. ક્રિકેટની સફર પૂરી થયા બાદ તેમણે કોમેન્ટરીમાં પણ હાથ અજમાવ્યો. સિદ્ધુએ છેલ્લે IPL 2018માં કોમેન્ટરી કરી હતી. પંજાબ સરકારમાં મંત્રી બન્યા બાદ તેઓ કોમેન્ટરી પેનલમાંથી બહાર થઈ ગયા હતા. પંજાબ સરકારના મંત્રી બન્યા પછી તેમણે તેમના તમામ ટીવી શો પણ છોડી દીધા.

કોમેન્ટરી પર પરત ફરવાનું કારણ શું છે?
રાજકીય નિષ્ણાતો કહે છે કે સિદ્ધુ કોંગ્રેસમાંથી અલગ પડી ગયા હતા. પંજાબ પ્રદેશ કોંગ્રેસમાં તેમના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. તેઓ લગભગ 2 મહિનાથી પાર્ટીના કોઈ જ સંપર્કમાં ન હતા. સાથે જ પાર્ટી હાઈકમાન્ડમાં તેમનો પ્રભાવ નબળો પડી રહ્યો હતો. આ સાથે સાથે જ સિદ્ધુ લોકસભાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં હજુ 3 વર્ષનો સમય બાકી છે. આવી સ્થિતિમાં સિદ્ધુએ ફરીથી ટીવીની ઈન્ડસ્ટ્રીમાં પાછા ફરવાનું નક્કી કર્યું છે.

IPL 22 માર્ચથી શરૂ થશે
IPLની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નઈમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે રમાશે. લોકસભાની ચૂંટણીને કારણે ટુર્નામેન્ટની માત્ર પ્રથમ 21 મેચનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ક્રિતિ ખરબંદાની પહેલી રસોઈ: સ્ટોરી મૂકીને જણાવ્યું દાદીએ મંજૂરી આપી દીધી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top