Holi 2024: ભારતમાં હોળીના પ્રકારો, જાણો કેવી કેવી રીતે ઉજવાય છે હોળી

“જૈસા દેશ વૈસા ભેશ”. પરંતુ ભારત એક એવો દેશ છે કે જ્યાં દરેક ખૂણે રહેઠાણ, રીતી રિવાજો, ખાનપાનમાં અને તહેવારોમાં પણ વિવિધતા જોવા મળે છે. હોળી રંગનો, ઉત્સાહનો અને ઉમંગનો તહેવાર છે. આપણા દેશમાં હોળીની જુદા જુદા પ્રકારે ઉજવણી થતી જોવા મળે છે અને દરેકનું આગવું મહત્વ રહેલું છે. ચાલો જાણીએ આ પ્રકારો વિશે.

રાજસ્થાનની રોયલ હોળી
રાજસ્થાનની રોયલ હોળી ઉદયપુરના શાહી પરિવાર દ્વારા ઉજવવામાં આવે છે. જેમાં મહારાણા પ્રતાપના રાજસી વંશજો અને આખું શહેર ભાગ લે છે. આ હોળી રાજ પરિવાર દ્વારા હોલિકા દહનથી શરૂ થાય છે. જ્યારે ધૂળેટીના દિવસે સમગ્ર શહેરમાં હાથી અને ઘોડા શણગારીને સરઘસ કાઢવામાં આવે છે. આખું ઉદયપુર શાહી બેન્ડ સાથે આ ઉજવણીમાં જોડાય છે.

બરસાનાની લઠમાર હોળી
બરસાનાની લઠમાર હોળી પાછળ ધાર્મિક માન્યતા જોડાયેલી છે. કહેવાય છે કે શ્રી કૃષ્ણ, રાધા અને ગોપીઓ દ્વારા શરૂ કરાયેલી લઠમાર હોળી બરસાના અને વૃંદાવનમાં પહેલી વાર રમાઈ હતી. અહીં સ્ત્રીઓ ‘ગોપીઓ’ જેવો પોષક પહેરે છે અને હાથમાં લઠ લઈને પુરુષોનો પીછો કરે છે. જો કોઈ પુરુષ પકડાઈ જાય છે તો તેને લઠ મારીને સ્ત્રીઓ જેવો પોષક પહેરાવવામાં આવે છે અને જાહેરમાં નૃત્ય કરાવવામાં આવે છે.

કમાઉ પ્રદેશમાં, ખાદી હોળી
કુમાઉના લોકો સંગીતના તાલે હોળી ઉજવે છે. પરંપરાગત વસ્ત્રો પહેરી, ખારી ગીતો ગાઈને અને જૂથમાં નૃત્ય કરીને હોળીની ઉજવણી કરે છે. ગામના લોકો જૂથમાં ભેગા થઈને ગામના પાદરે જાય છે અને ત્યાંથી પસાર થતાં લોકોનું અભિવાદન કરે છે. આ પ્રકારની હોળીની ઉજવણીને મહિલા હોળી અને બૈઠકી હોળી તરીકે પણ ઓળખાય છે.

કેરળમાં મંજલ કુલી
ઉત્તર ભારતની હોળી કરતાં કેરળની હોળી જુદી પડે છે. અહી હોળીને સમૃદ્ધિના પર્વ તરીકે મંજલ કુલીના નામી ઉજવવામાં આવે છે. પાણીમાં હળદર અને ગુલાલ નાખીને અહિયાં હોળીને ઉજવવામાં આવે છે.

બિહારમાં ફાગુવા
બિહારમાં સ્થાનિક ભોજપુરી બોલીમાં હોળીને ફાગુવા કહેવાય છે. તેને પાણી, ગુલાલ, સંગીત અને લોકગીતો પર નૃત્ય કરીને મનાવવામાં આવે છે. અહી હોલી દહનનું પણ વિશેષ મહત્વ રહેલું છે.

આસામમાં ફાકુવા
આસામી લોકો હોળીને ફાકુવા તરીકે ઓળખે છે. અહીની હોળી પશ્ચિમ બંગાળની દૌલ જાત્રા જેવી હોય છે. હોળીનો તહેવાર આસામમાં પણ અન્ય રાજ્યોની જેમ 2 દિવસ માટે ઉજવવામાં આવે છે. હોલિકા દહનની દંતકથા અનુસાર પ્રથમ દિવસે લોકો માટીની ઝૂંપડીઓ બાળે છે. જ્યારે બીજા દિવસે રંગોથી ધૂળેટીની ઉજવણી કરે છે.

ગોવામાં શિગ્મો
ભારતના સૌથી નાના રાજ્ય ગોવામાં હોળી વિશેષ તહેવાર છે. હિન્દુઓ અહીં પરંપરાગત લોકનૃત્યો કરીને આ તહેવારની ઉજવણી કરે છે. પ્રવાસીઓ પણ ઉત્સાહભેર ઉત્સવમાં ભાગ લે છે.

મણીપુરમાં યાઓશાંગ
મણીપુરમાં હોળીનો તહેવાર 6 દિવસ સુધી ઉજવાય છે. પૂર્ણિમાના દિવસે શરૂ થતા આ તહેવારમાં હિંદુ અને સ્વદેશી પરંપરાઓનું સંયોજન જોવા મળે છે. યાઓશાંગનું મુખ્ય આકર્ષણ મણિપુરનું લોકનૃત્ય છે. જે થબલ ચોંગબા તરીકે ઓળખાય છે.

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં રંગ પંચમી
મહારાષ્ટ્રમાં હોળી અન્ય રાજ્યો કરતાં વહેલી શરૂ થાય છે. જેની ઉજવણી પાંચથી સાત દિવસ સુધી કરવામાં આવે છે. હોલિકા દહન પછીના 5મા દિવસે રંગોથી ઉજવણી કરવામાં આવે છે. અહિયાં હોળીના તહેવારને રંગ પંચમી પણ કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો: આ 5 સસ્તા હિલ સ્ટેશનની મુલાકાત લેવાનો પ્લાન બનાવો, તમને પાછા ફરવાનું મન નહીં થાય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top